ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભિસ્યા ગામે દિવાળીના પાવન પર્વ નિમિત્તે યુવક મંડળ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના યુવા કલાકારો અને બાળકોએ પોતાની અદભુત કલાત્મક પ્રતિભા રજૂ કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધાં હતાં.
આ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ભાજપના ડાંગ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્ય મંગલભાઈ ગાવિત તેમજ યુનિટીના માલિક રાજુભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગામના બાળકો અને યુવા કલાકારોએ ઉત્સાહભેર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. તેમની કલાત્મક આવડત, અભિનય અને સુંદર પ્રસ્તુતિ નિહાળી ઉપસ્થિત મહેમાનો પણ પ્રભાવિત થયા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ યુવા કલાકારો અને બાળકોની પ્રતિભાને બિરદાવી હતી તેમજ આવા કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિ, કલા અને પરંપરાને જીવંત રાખવાની સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. સાથે જ યુવક મંડળના આયોજકોને અભિનંદન પાઠવી તમામ કલાકારોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી.
આમ, ભિસ્યા ગામમાં દિવાળીના પર્વે યોજાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમથી ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો. ગામના યુવાનોની એકતા અને બાળકોની કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપતો આ કાર્યક્રમ યાદગાર બન્યો હતો.