
શિક્ષણ જગત
મહીસાગર જિલ્લામાં ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત ‘સંસ્કૃત સાહિત્ય દિવસ’ની ભવ્ય ઉજવણી સંપન્ન
મહીસાગર જિલ્લામાં ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત ‘સંસ્કૃત સાહિત્ય દિવસ’ની ભવ્ય ઉજવણી સંપન્ન
મહીસાગર જિલ્લામાં ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત ‘સંસ્કૃત સાહિત્ય દિવસ’ની ભવ્ય ઉજવણી સંપન્ન
હસમુખ ભોઈ મહિસાગર લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ: તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
**
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાના ‘સંસ્કૃત સાહિત્ય દિવસ’ની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી લુણાવાડા સ્થિત કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ ગરિમાપૂર્ણ જ્ઞાનસભામાં મહીસાગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ દામા, આચાર્ય સંઘના પ્રમુખશ્રી , શિક્ષણ નિરીક્ષક શ્રી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તેમજ વિદ્વાન વક્તા તરીકે માલવણ આર્ટ્સ કોલેજના પ્રોફેસર ડૉ. નરેશભાઈ વણઝારા અને મોરવા હડફ આર્ટ્સ કોલેજના પ્રોફેસર ડૉ. દિનેશભાઈ માછી સહિત શિક્ષણવિદો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં હર્ષ પંડ્યા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાયનું ભાવપૂર્ણ પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃત ભાષાના વિવિધ ગ્રંથો અને સાહિત્યને આવરી લેતી વિશેષ સંસ્કૃત પ્રદર્શનીનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્કૃત વિષયમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 24 તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
અધ્યક્ષીય ઉદ્બોધનમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન પુવારે સંસ્કૃત ભાષાને ભારતનો જીવંત આત્મા અને સંસ્કૃતિનો આધારસ્તંભ ગણાવતા ગીતાજીના ‘કર્મણ્યેવાધિકારસ્તે...’ ના સંદેશને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે સંસ્કૃત માત્ર પૂજા-પાઠ પૂરતી સીમિત નથી, પરંતુ ખગોળશાસ્ત્ર, આયુર્વેદ, ગણિત અને કમ્પ્યુટર અલ્ગોરિધમ માટે પણ અત્યંત વૈજ્ઞાનિક ભાષા છે. રોજિંદા વ્યવહારમાં સરળ સંસ્કૃત શબ્દોનો ઉપયોગ વધારવા અને નવી પેઢીને પંચતંત્ર-હિતોપદેશના સંસ્કારોથી સિંચિત કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પ્રશંસનીય કામગીરીની સરાહના કરતા જણાવવામાં આવ્યું હતું કે મહીસાગર જિલ્લામાં ૧૩ સંસ્કૃત કક્ષ ફાળવી પ્રત્યેક કક્ષ દીઠ પ્રોત્સાહક સહાય આપવામાં આવી છે. તેમજ ‘યોજના પંચકમ્’ અંતર્ગત ગીતા જયંતી, સુભાષિત કંઠપાઠ અને ૧૦૦% સંસ્કૃત વિષય રાખતી શાળાઓને વિશેષ અનુદાન સંસ્કૃત બોર્ડ તરફથી આપવામાં આવશે. આ સાથે જ જિલ્લા પંચાયત તરફથી સંસ્કૃત સંભાષણ શિબિરો અને સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે સતત સક્રિય સહયોગની ખાતરી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને પ્રભાવશાળી સંચાલન ડૉ. ગૌરાંગ દ્વારા સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું. અંતમાં સમગ્ર સભાએ એકસૂરે "જયતુ સંસ્કૃતમ્, જયતુ ભારતમ્" ના જયઘોષ સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
MAHISAGAR























