બલેશ્વરમાં શ્રીરાજલક્ષ્મી ડેનિમ મિલમાં અચાનક આગ, બે કલાકની જહેમત બાદ કાબૂમાં | Akhand Bharat Dainik
બલેશ્વરમાં શ્રીરાજલક્ષ્મી ડેનિમ મિલમાં અચાનક આગ, બે કલાકની જહેમત બાદ કાબૂમાં
SURAT | By Akhand Bharat Team | Published:
અકસ્માત
બલેશ્વરમાં શ્રીરાજલક્ષ્મી ડેનિમ મિલમાં અચાનક આગ, બે કલાકની જહેમત બાદ કાબૂમાં
પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલી શ્રીરાજલક્ષ્મી ડેનિમ લિમિટેડ મિલમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. મિલના લુમ્સ વિભાગમાં આગ લાગવાની ઘટના બનતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, બલેશ્વર ગામની સીમમાં કાલાઘોડા પ્લોટ B/8-2, B-9 અને B-14 ખાતે શ્રીરાજલક્ષ્મી ડેનિમ લિમિટેડ મિલ આવેલી છે. અહીં લુમ્સ વિભાગમાં અચાનક આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ મિલમાં હાજર કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા કડોદરા PEPL ફાયર વિભાગ તેમજ બારડોલી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. આશરે બે કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આગ સંપૂર્ણપણે ફરી ભભૂકી ન ઊઠે તે માટે હાલમાં ફાયર વિભાગ દ્વારા કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આગ કયા કારણોસર લાગી અને આગની ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.