થરાદ તાલુકાના જાંદલા ગામ નજીક મીઠા-થરાદ હાઈવે પર દોડતી ઈકો કારમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ રાહદારીઓ દ્વારા થરાદ નગરપાલિકાની ફાયર ટીમને કરવામાં આવી હતી. જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ 112ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
જોકે, આગ એટલી ભીષણ હતી કે ઈકો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે ઈકો કારનો ચાલક સમયસર વાહનમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. સમયસર બચાવ કામગીરી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના અંગે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.