સાંતલપુરના વૌવા ગામે અજાણ્યા હિંસક પ્રાણીનો આતંક,20થી વધુ ગ્રામજનો અને પશુઓ પર હુમલો થતાં ગામમાં ફફડાટ.
PATAN | By Akhand Bharat Team | Published:
અકસ્માત
સાંતલપુરના વૌવા ગામે અજાણ્યા હિંસક પ્રાણીનો આતંક,20થી વધુ ગ્રામજનો અને પશુઓ પર હુમલો થતાં ગામમાં ફફડાટ.
સાંતલપુર :પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામે મોડી રાત્રે અજાણ્યા હિંસક પ્રાણીએ આતંક મચાવતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. હિંસક પ્રાણીએ ગામમાં 20થી વધુ ગ્રામજનો તેમજ પશુઓ પર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે.હુમલામાં અનેક ગ્રામજનો અને પશુઓ ઈજાગ્રસ્ત થતાં સમગ્ર ગામમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત ગ્રામજનોને તાત્કાલિક સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક ચર્ચા મુજબ હિંસક પ્રાણી દ્વારા કરવામાં આવેલા હુમલા પાછળ શિયાળ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હિંસક પ્રાણી અંગે સત્તાવાર પુષ્ટિ હજુ થવાની બાકી છે.હિંસક પ્રાણીએ ગામમાં કેટલાક પશુઓ પર પણ હુમલો કરતાં પશુઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ વૌવા ગામે પહોંચી હતી અને હિંસક પ્રાણીને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.ગામલોકોમાં ભયનો માહોલ જોતાં ગ્રામજનોએ હિંસક પ્રાણીને વહેલી તકે પકડી પાડવા તથા ગામમાં વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી કાર્યવાહી કરવા વન વિભાગ સમક્ષ માંગ કરી છે.હુમલાની ઘટનાને પગલે હાલ વૌવા ગામમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.રિપોર્ટર :-દશરથ ઠાકોર