પલસાણા તાલુકાના સાકી ગામની સીમમાંથી પસાર થતી ઉધના-ચલથાણ નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નહેરમાં મહિલાનો મૃતદેહ જોવા મળતાં સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ અને કડોદરા PEPL ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને નહેરમાંથી બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. મહિલાનું મોત કયા સંજોગોમાં થયું અને તે નહેર સુધી કેવી રીતે પહોંચી તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.
પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી મહિલાની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ આસપાસના વિસ્તારોમાં મહિલાના ગુમ થયાની કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મહિલાની ઓળખ થયા બાદ સમગ્ર ઘટનાનો વધુ ખુલાસો થવાની શક્યતા છે. હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.