ક્યારે જાગશે ધોળકાનું તંત્ર? રખડતા આખલાએ વધુ એક નિર્દોષનો જીવ લીધો
ધોળકા: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની GIDCમાં રખડતા આખલાના હુમલામાં 50 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ધોળકા GIDC વિસ્તારમાં સનવેજ રોહતો ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપની પાસે આવેલા ચાર રસ્તા નજીક તા. 23 ઓગસ્ટ, 2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યાના અરસામાં આ ગંભીર ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજીવ રત્ન રામખીલાવન (ઉંમર આશરે 50 વર્ષ) ધોળકામાં પોતાની નોકરી પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તા પર આવેલા એક આખલાએ અચાનક તેમના પર હુમલો કરી અડફેટે લીધા હતા. આખલાએ ભેટી મારી તેમને ઉછાળી જમીન પર પટકતાં રાજીવ રત્નને માથા, છાતી સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ગંભીર ઈજાઓના કારણે રાજીવ રત્નનું મોત નીપજ્યું હતું. રાજીવ રત્ન મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનગર જિલ્લાના ઘાટમપુર તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ હાલ ધોળકામાં આતિથ્ય સોસાયટી પાસે, પુલેન ચોકડી નજીક PGમાં રહેતા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ બનાવે ધોળકા શહેર અને GIDC વિસ્તારમાં રખડતા ઢોરના વધતા ત્રાસ અંગે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
એક મોત બાદ પણ તંત્ર ક્યારે જાગશે?
ધોળકા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર રખડતા ઢોરના ટોળાં જોવા મળતા હોવાની ફરિયાદો અવારનવાર સામે આવે છે. ખાસ કરીને આખલાઓના હુમલા અને રસ્તા પર અચાનક આવી જવાથી વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે સતત જીવનું જોખમ ઊભું થાય છે.
એક વ્યક્તિનો જીવ ગયા બાદ પણ જો તંત્ર નહીં જાગે તો આખરે વધુ કેટલા લોકો ભોગ બને તેની રાહ જોવાઈ રહી છે? એવો સવાલ હવે ધોળકાના નાગરિકોમાં ઉઠી રહ્યો છે.
નાગરિકોનું કહેવું છે કે રખડતા ઢોરને પકડી માત્ર થોડા દિવસ માટે કાર્યવાહી કરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવવાનો નથી. GIDC, મુખ્ય માર્ગો, ચાર રસ્તા અને રહેણાંક વિસ્તારોમાંથી રખડતા ઢોરને દૂર કરવા માટે કાયમી અને અસરકારક ઢોર નિયંત્રણ વ્યવસ્થા ઉભી કરવાની તાતી જરૂર છે.
મોતની ઘટના બાદ પણ જો તંત્ર મૌન રહે તો જવાબદારી કોની?
જો તંત્ર સમયસર નહીં જાગે અને ભવિષ્યમાં રખડતા ઢોરના કારણે વધુ ગંભીર અકસ્માત કે જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? હવે આ સવાલ માત્ર ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ તંત્ર માટે ગંભીર ચેતવણી બની રહ્યો છે.
રાજીવ રત્નના મોતની ઘટનાએ ધોળકામાં રખડતા ઢોરની સમસ્યાને ફરી એકવાર કેન્દ્રમાં લાવી છે. નાગરિકોમાં માંગ ઉઠી રહી છે કે હવે માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પરંતુ ધોળકા શહેર અને GIDC વિસ્તારમાં રખડતા ઢોર સામે કડક, સતત અને કાયમી કાર્યવાહી કરવામાં આવે.
એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે; હવે તંત્રની બેદરકારીના કારણે બીજા કોઈ પરિવારને પોતાના સ્વજનને ગુમાવવાનો વારો ન આવે તે માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.