અપરાધ
લેખનઈડર મહિલા સહાયતા કેન્દ્રની મધ્યસ્થીથી ઘરેલૂ વિવાદનો સુખદ અંત, દંપતી ફરી એકસાથે
લેખનઈડર મહિલા સહાયતા કેન્દ્રની મધ્યસ્થીથી ઘરેલૂ વિવાદનો સુખદ અંત, દંપતી ફરી એકસાથે
ઈડર: સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર (પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર) દ્વારા પારિવારિક વિવાદમાં અસરકારક મધ્યસ્થી કરી એક પરિવારને વિખેરાતો અટકાવી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઈડર તાલુકાના એક ગામની વતની અને સતલાસણા તાલુકાના ગામ ખાતે પરણેલી મહિલાએ પતિ વિરુદ્ધ ઈડર મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી કરી હતી. મહિલાના જણાવ્યા મુજબ તેમના લગ્નજીવનને આશરે ૧૬ વર્ષ થયા છે અને તેમને ત્રણ સંતાનો છે. લગ્નના શરૂઆતના વર્ષોમાં સંસાર સુખમય રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પતિ દારૂના નશામાં અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપતો, મારઝૂડ કરતો અને ગાળાગાળી કરતો હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો હતો. ત્રાસ અસહ્ય બનતા મહિલા પોતાના પિયરમાં રહેવા મજબૂર બની હતી.
મહિલાની અરજીને પગલે ઈડર મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર દર્શના વારા અને હેતલબેન પંડ્યાએ બંને પક્ષોને કેન્દ્ર ખાતે બોલાવી વિગતવાર કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ પોતાનો સંસાર ફરી વસાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ પતિએ પણ પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં પત્ની સાથે સારી રીતે રહેવાની ખાતરી આપી હતી.
બંને પક્ષો વચ્ચે ચર્ચા અને સમજાવટ બાદ પરસ્પર સંમતિથી સમાધાન પત્ર તૈયાર કરવામાં આવ્યો હતો. સમાધાનની શરતો મુજબ પતિએ ભવિષ્યમાં દારૂનું સેવન નહીં કરવા, પત્ની સાથે મારઝૂડ કે ગાળાગાળી નહીં કરવા તેમજ મહેનત-મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવાની બાંહેધરી આપી હતી.
પરિવારના વડીલો અને સાક્ષીઓની હાજરીમાં બંને પક્ષોએ સમાધાન પત્ર પર સહીઓ કરી હતી. અંતે દંપતીએ રાજીખુશીથી ફરી સાથે રહી સુખી સંસાર શરૂ કરવાનો નિર્ણય લેતા મહિલા સહાયતા કેન્દ્રના પ્રયાસોથી વર્ષોથી ચાલી રહેલા પારિવારિક વિવાદનો સુખદ અંત આવ્યો હતો
SABARKANTHA




















