ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર સતત વધી રહી છે ત્યારે રામપરા ગામની સીમમાંથી ગુરુવારે બપોરે આશરે 5થી 9 વર્ષની સિંહણનો અત્યંત કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મસી હતી. સ્થનિક સરપંચને મૃતદેહની જાણ થતાં તેમણે તાત્કાલિક જસાધાર વનવિભાગને જાણ કરી હતી. બાદમાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી સિંહણના મૃતદેહનું નિરીક્ષણ કર્યુ હતું.
પ્રાથમિક નિરીક્ષણ દરમિયાન સિંહણના શરીર પર જીવાત પડી ગયેલી જોવા મળી હતી. પાછળના ભાગે ઈજાના નિશાન તેમજ પાછળના પગના ભાગે પણ ઈજા થયેલી હોવાની સ્થિતિ જોવા મળી હતી. મૃતદેહની હાલત જોતા સ્થાનિક સ્તરે તે કેટલાક દિવસથી પડેલો હોવાની ચર્ચા વચ્ચે વનવિભાગ દ્વારા મૃતદેહ એકાદ દિવસ જૂનો હોવાનું જણાવાયું હતું. જોકે, મૃતદેહની કોહવાયેલી હાલતને લઈ સવાલો ઉઠ્યા છે.
વનવિભાગના અધિકારીના જણાવ્યા મુજબ રામપરાની સીમમાં એક નર સિંહની પણ અવરજવર રહે છે અને સિંહ-સિંહણ વચ્ચે ઈનફાઈટ થઈ હોવાની શક્યતા પ્રાથમિક રીતે વ્યકત કરવામાં આવી છે. સિંહણના પાછળના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળતાં આ દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. વનવિભાગે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારનું સ્ટેઇનિંગ શરૂ કર્યુ છે.
ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની હાજરી અંગે ફરી સવાલ
ઉના પંચકમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી રહી છે. થોડા દિવસ અગાઉ ધોકડાવાની સીમમાં ફુવામાં સિંહનું મોત થયું હતું, જ્યારે નાના સમડિયાળામાં ફુવામાં પડેલા સિંહને વનવિભાગે સમયસર રેસ્ક્યુ કર્યો હતો. હવે રામપરાની સીમમાંથી સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા ગ્રામ્ય વિસ્તારમાં વનવિભાગના પેટ્રોલિંગ અને સિંહોની હિલચાલ અંગેની દેખરેખ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
હાલ સિંહણના મોતનું ચોકકસ કારણ શું છે તે અંગે વનવિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.