તા.૩૦ ઓગસ્ટ '૨૬
ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક દારૂના નશામાં ધુત ટ્રક ચાલકે એક કારને અડફેટમાં લેતા કારને રૂપિયા ૨.૫ લાખ જેટલું નુકશાન થયું હતું. આ ઘટના બાદ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ સ્થિત અનુપમ નગર મહાદેવ મંદિર સામેના રોડ પર એક ટ્રક ડ્રાઇવરે એક કારને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાર ડિવાઇડર ઓળંગી સામેના ટ્રેક પર ફેંકાઈ ગઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ કારને આશરે રૂપિયા ૨,૫૦,૦૦૦/- જેટલું ભારે નુકસાન થયું હતું. વધુમાં
મળતી વિગતો અનુસાર, ભરૂચના મક્તમપુર વિસ્તારમાં રહેતા કુંનલકુમાર ભુપેન્દ્રભાઈ મિસ્ત્રી પોતાના મિત્રો સાથે ફોર વ્હીલર કાર લઈને તા.૨૮ ના રોજ ઝઘડિયાના ઉચેડિયાથી ભરૂચ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન સવારના આશરે ૧૧:૪૫ વાગ્યાના સુમારે નાના સાંજા પાસે પાછળથી પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે કારને પાછળથી જોરદાર અડફેટમાં લીધી હતી.
આ અકસ્માતમાં કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો, એન્જિનનો ભાગ ભાંગી ગયો હતો અને આગળના ટાયરો પણ ફાટી ગયા હતા. સદનશીબે કારમાં સવાર કુંનલકુમાર અને તેમના મિત્રોનો આબાદ બચાવ થયો હતો અને કોઈને ઈજા પહોંચી નહોતી.
અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રજનીશભાઈ ધનજીભાઈ વસાવા (રહે. અસનાવી ઝરીયા, તા. નેત્રંગ) બતાવ્યું હતું. તે તોતડાતી જીભે વાત કરતો હતો અને દારૂના નશામાં ધુત હતો. બનાવ અંગે તરત ૧૧૨ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી અને ટ્રક ચાલકની અટકાયત કરી ઝઘડિયા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો.
આ અંગે ઝઘડિયા પોલીસે ફરિયાદી
કુંનલકુમાર મિસ્ત્રીની ફરિયાદના આધારે આરોપી ટ્રક ચાલક રજનીશ વસાવા વિરુદ્ધ બી.એન.એસ., મોટર વાહન અધિનિયમ અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.