ગાંધીનગરના નાંદોલી ગામે સ્મશાન પાસે પોલીસની રેડ: વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો, સપ્લાયર ફરાર
GANDHINAGAR | By Akhand Bharat Team | Published:
અપરાધ
ગાંધીનગરના નાંદોલી ગામે સ્મશાન પાસે પોલીસની રેડ: વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો, સપ્લાયર ફરાર
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલીંગ દરમિયાન કલોલ તાલુકાના નાંદોલી ગામે ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ કરતા એક સ્થાનિક બુટલેગરને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસની ટીમ જ્યારે ખાનગી વાહનમાં સાંતેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેઓને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે નાંદોલી ગામના મેલડીમાવાડા વાસમાં રહેતો દિલીપજી ચંદુજી ઠાકોર નામનો ઈસમ ગામમાં આવેલા રામદેવપીર મંદિરની સામે, સ્મશાનની નજીક ચોરીછૂપીથી વિદેશી દારૂનો વેપાર કરી રહ્યો છે. આ સંયુક્ત બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થાનિક પંચોના માણસોને સાથે રાખીને બાતમી વાળી જગ્યા પર ઓચિંતી રેડ પાડી હતી. પોલીસને જોઈને ત્યાં હાજર શંકાસ્પદ ઈસમ ભાગવાનો પ્રયાસ કરે તે પહેલાં જ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સની પંચોની હાજરીમાં પૂછપરછ અને તલાશી લેતા તેના હાથમાં રહેલી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ખાખી પૂંઠાનું બોક્સ અને છૂટક બોટલો મળી આવી હતી. આ બોક્સ ખોલીને જોતા તેમાંથી 'રોયલ સ્ટેગ ડીલક્સ વ્હીસ્કી' (ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી) લખેલા કાચના ક્વાર્ટરની કુલ ૨૯ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹૧૮,૮૫૦/- થાય છે. આ દારૂના જથ્થા અંગે પાસ-પરમિટ માંગતા આરોપી પાસે કોઈ કાયદેસરના આધાર પુરાવા મળી આવ્યા ન હતા. આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ વિદેશી દારૂનો જથ્થો તેને કલોલના ઉનાલી ગામે રહેતો કિરણજી માંસગજી ઠાકોર નામનો બુટલેગર પૂરો પાડી ગયો હતો. સાંતેજ પોલીસે ₹૧૮,૮૫૦/- ની કિંમતનો દારૂનો મુદ્દામાલ કબ્જે કરી એફ.એસ.એલ. પરીક્ષણ માટે સેમ્પલ સીલ કર્યા છે. આ મામલે રેડ દરમિયાન પકડાયેલા મુખ્ય આરોપી દિલીપજી ઠાકોર અને દારૂ સપ્લાય કરી નાસી છૂટેલા સહ-આરોપી કિરણજી ઠાકોર વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમની કલમ ૬૫(એ)(એ) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ એ.એસ.આઈ. અનિલસિંહ દીલીપસિંહ વાઘેલાને સોંપવામાં આવી છે.