ઉમરાળા ગ્રામ પંચાયતની શિક્ષણ ક્ષેત્રે અવિરત કામગીરી
ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ચાર વર્ષથી આંગણવાડીના બાળકોથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે મદદ મળતી રહી છે. પંચાયતનો ઉદેશ ચાલુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી સીમિત ન રહી અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને પણ મદદ મળતી રહે એવો છે. હાલમાં જ પરીક્ષા લક્ષી તૈયારી કરતા વિદ્યાર્થીઓને તમામ સાહિત્ય વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું. દર વર્ષે સરકાર તરફથી અલગ અલગ ભરતી માટે પરીક્ષા યોજાય છે એમ આ વર્ષે પણ મુખ્ય સેવિકા, કંડકટર, CCE, વનપાલ, આરોગ્ય કર્મી, FHW, લેબ ટેક્નિશિયન, ગ્રામસેવક વગેરે જગ્યાઓ પર ભરતી યોજાવાની છે ત્યારે આ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તમામ સાહિત્ય વિનામૂલ્યે પૂરું પાડવામાં આવ્યું છે. દરેક વિદ્યાર્થીને પોતાની પસંદગીની એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવેલ પુસ્તકો આપવામાં આવ્યા હતા. પરીક્ષા લક્ષી તૈયારીના પુસ્તકો મોંઘા હોય છે. ગામના યુવાનોને મોંઘા પુસ્તકોના લીધે તૈયારીમાં કમી ન રહે એ હેતુથી દર વર્ષે પુસ્તકો આપવામાં આવે છે. સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મહિને લગભગ 70 થી વધુ યુવાનોને આ સાહિત્ય આપવામાં આવ્યું છે. ગામના યુવાનો સારી રીતે પરીક્ષાની તૈયારી કરી સરકારી નોકરી મેળવે અને ગામનું નામ રોશન કરે એ આ કાર્યનો મુખ્ય હેતુ છે.
સાથે અગત્યની વાત એ છે કે પંચાયત પર આ ખર્ચનો આર્થિક બોજ ન પડે એ હેતુથી આ ખર્ચની રકમ સરપંચ દ્વારા લોકફાળા રૂપે આપવામાં આવે છે.