*લોકભાગીદારીથી વિકસિત ભારતના સંકલ્પને મળશે નવી દિશા*------*નર્મદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિપથ યાત્રા અને જનકલ્યાણ શિબિરના આયોજન અંગે કલેક્ટરશ્રી ગંગા સિંઘની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*------*કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા સુચારુ આયોજન પર કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો*------*તા. 8 થી 20 જૂન દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજન અને સંકલન અંગે કલેક્ટરશ્રીએ અધિકારીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું*-----રાજપીપલા, ગુરૂવારઃ- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને લોકસહભાગિતા પ્રાપ્ત થાય અને છેવાડાના માનવીને આ સંકલ્પોમાં ભાગીદાર બનાવી શકાય તે માટે જિલ્લા કક્ષાએ વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જનજાગૃતિ માટે "પ્રગતિપથ યાત્રા" અને સમગ્રા જિલ્લામાં જનકલ્યાણ શિબિરના આયોજન સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. દેડિયાપાડા પ્રાંત અધિકારીશ્રી સહિત જિલ્લા મથકથી દૂરના તાલુકાના અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.નર્મદા જિલ્લામાં તા.૦૮ થી ૧૪ જુન-૨૦૨૬ દરમિયાન ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’નું જિલ્લાકક્ષાનું આયોજન કરવાનું થાય છે. આ કાર્યક્રમના અસરકારક અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા કક્ષાની સમિતિઓને સોંપવામાં આવેલી વિવિધ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેવી જ રીતે જિલ્લાના નાગરિકો, લોકપ્રતિનિઘિઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત વ્યકિતઓ અને સમાજના વિવિઘ વર્ગો વિકાસની પ્રક્રિયામાં જોડાય તે માટે વિવિધ વિભાગોના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજય કક્ષાના શ્રેષ્ઠ પ્રોજેકટો, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાઘામો, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી પ્રવૃતિઓ અને લોકભાગીદારી આઘારિત વિકાસ મોડેલોના પ્રદર્શન તથા જનજાગૃતિ માટે "પ્રગતિપથ યાત્રા"નું પણ તા.૦૮/૦૬/૨૦૨૬ થી તા.૧૪/૦૬/૨૦૨૬ દરમિયાન આયોજન કરવાનું હોય તેના સંદર્ભે પણ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે કલેક્ટરશ્રીએ વિગતવાર ચર્ચા કરી હતી.જિલ્લાના પ્રભારીમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર હોય તમામ પ્રકારનું સંકલન તેમજ આનુષંગિક તમામ વ્યવસ્થા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. નર્મદા જિલ્લામાં સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં નાગરિકો સુધી પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ જિલ્લાના નાગરિકોને મળી રહે. વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓનો સમાવેશ કરીને તા.૧૨ થી ૨૦ જુન, ૨૦૨૬ દરમિયાન જિલ્લા પંચાયતની બેઠકો મુજબ તથા નગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણ શિબિરના આયોજન અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી ગંગા સિંઘે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ જિલ્લાના છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જિલ્લા પંચાયતની તમામ 22 બેઠકો મુજબ યોજાનારી જન કલ્યાણ શિબિરોનું સુવ્યવસ્થિત આયોજન કરવા, લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સેવાઓ અને લાભો ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવા તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સહયોગથી કાર્યક્રમોમાં લોકભાગીદારી વધે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી. વધુમાં, નાગરિકો અને લાભાર્થીઓને સંતોષકારક પ્રતિસાદ તથા સેવા પ્રાપ્ત થાય તે માટે જરૂરી તકેદારી રાખવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.આ ઉપરાંત, જિલ્લામાં યોજાનારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન સંદર્ભે કલેક્ટરશ્રીએ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનાર નાગરિકોનો વ્યાપક સમાવેશ થાય તે માટે આગોતરું આયોજનબદ્ધ લિસ્ટિંગ તૈયાર કરવાની સૂચના આપી હતી. કોઈપણ મહત્વના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ સંમેલનથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખી કાર્યક્રમનું સફળ અને સુચારુ આયોજન કરવા તેમણે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળા, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.એસ.ચૌધરી, નાંદોદના પ્રાંત અધિકારી સુશ્રી પરશનજીત કૌર, નાયબ વનસંરક્ષક(સામાજીક વનીકરણ) શ્રી ગૌરવ પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી પી.આર.પટેલ અને શ્રી રાજેન્દ્ર દેવધા, વિવિધ સમિતીના સભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.