ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના' અંતર્ગત મળતી રકમમાં ગ્રાઉન્ડ રિયાલિટી અને વર્તમાન અસહ્ય મોંઘવારીના આધારે તાકીદે વધારો કરવા બાબતે આદિવાસી અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને કરી રજૂઆત.
'ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના' અંતર્ગત મળતી રકમમાં ગ્રાઉન્ડ રિયાલિટી અને વર્તમાન અસહ્ય મોંઘવારીના આધારે તાકીદે વધારો કરવા બાબતે આદિવાસી અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને કરી રજૂઆત.વર્તમાન યોજના "ઊંટના મોઢામાં જીરું મુકવા સમાન"-કમસેકમ 5000 થી 7000 રૂપિયા માસિક સહાય મળવી જોઈએ-ડો.નિરવ પટેલ.રાજ્યની લાખો નિરાધાર ગંગા સ્વરૂપા માતા-બહેનોની વાસ્તવિકતા જે આજે કાગળ પર નહીં પણ સામાન્ય નાગરિકના રસોડામાં વર્તાઈ રહી છે. સરકાર દ્વારા અપાતી માસિક ₹૧૨૫૦ ની સહાય આજના સમયમાં 'ઊંટના મોંમાં જીરા' સમાન સાબિત થઈ રહી છે.આ બાબતે ખેરગામના યુથલીડર અને છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ગ્રાઉન્ડ રિયાલિટીના આધારે જો રોજિંદા ખર્ચનું સરવૈયું માંડવામાં આવે તો સ્થિતિ અત્યંત દયનીય છે:૧. દૂધનો પ્રાથમિક ખર્ચ: આજે ૫૦૦ મિલી દૂધની એક થેલીના ₹૩૬ છે. મહિનાના ૩૦ દિવસ ગણીએ તો માત્ર દૂધનો ખર્ચ જ ₹૧૦૮૦ થાય છે.૨. બાકી બચેલી રકમની વાસ્તવિકતા: ₹૧૨૫૦ માંથી દૂધનો ખર્ચ બાદ કરતાં માત્ર ₹૧૭૦ બચે છે.આ બચેલા ₹૧૭૦ માં એક વિધવા માતા પોતાના બાળકો માટે મહિનાનું અનાજ-કરિયાણું કેવી રીતે લાવે? શાકભાજીના ભાવ આજે ₹૬૦ થી ₹૧૦૦ કિલો છે. આ સિવાય ગેસ સિલિન્ડર, લાઈટબિલ, બાળકોની શાળાની ફી, ચોપડા અને બીમારીના સમયે દવાઓનો ખર્ચ ક્યાંથી કાઢવો? રોજની ₹૪૧.૬૬ ની આવકમાં સન્માનપૂર્વક જીવવું તો દૂર, બે ટંક પૂરતું ભોજન મેળવવું પણ અશક્ય છે. વિકસિત દેશો પોતાની મહિલાઓને જે આર્થિક સુરક્ષા આપે છે,તેવી જ સુરક્ષા આપણું પ્રગતિશીલ ગુજરાત પણ આપી શકે છે.આથી, સામાન્ય વિસ્તારની બહેનો માટે આ સહાય વધારીને માસિક ₹૫૦૦૦ કરવામાં આવે તે આજના સમયની જરૂરિયાત છે. ઉપરાંત અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં રહેતી આદિવાસી ગંગા સ્વરૂપા બહેનોની સ્થિતિ વધુ ગંભીર છે.ત્યાં રોજગારીની કોઈ સ્થાનિક તકો નથી, ભૌગોલિક સ્થિતિ કઠિન છે અને બજાર દૂર હોવાથી પરિવહન પાછળ જ મોટો ખર્ચ થઈ જાય છે.આ બહેનો આર્થિક અને સામાજિક રીતે બેવડો માર સહન કરી રહી છે. માટે, આદિવાસી વિધવા બહેનો માટે વિશેષ જોગવાઈ કરીને આ સહાય માસિક ₹૭૦૦૦ કરવામાં આવે તે સમયની માંગ છે. કારણકે વૈશ્વિક સ્તરે જો નજર દોડાવ્યે તો વૈશ્વિક સ્તરે સામાજિક સુરક્ષાની સ્થિતિ પર નજર કરીએ તો:અમેરિકા (USA) માં વિધવા બહેનોને માસિક અંદાજે ₹૧,૦૦,૦૦૦ થી ₹૧,૫૦,૦૦૦ (ભારતીય રૂપિયામાં) સુધીની સહાય મળે છે.કેનેડા (Canada) માં દર મહિને અંદાજે ₹૩૦,૦૦૦ થી ₹૪૩,૦૦૦ ચૂકવાય છે.યુનાઇટેડ કિંગડમ (UK) માં પરિસ્થિતિ મુજબ માસિક ₹૧૦,૫૦૦ થી ₹૩૭,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.માટે ગુજરાત રાજ્ય સરકારે પણ આજના મોંઘવારીના સમયમાં વિધવા માતા બહેનોનું વિચારીને સહાયમાં વધારો કરવો જોઈએ.