GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનો
RAJKOT | By Akhand Bharat Team | Published:
અપરાધ
GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનો
જેતપુરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ની ઓફિસ સામે વગર મંજૂરીએ પ્રતીક ઉપવાસ પર બેઠેલી મહિલાઓ વચ્ચે અંદરોઅંદર મોટો ડખો થયો હોવાની ઘટના સામે આવી છે. જાહેરમાં ગાળાગાળી અને બખેડો કરી રહેલી આ મહિલાઓને પોલીસે શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ન માનતા આખરે પોલીસે ૫ મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરની GPCB ઓફિસ સામે ગઈકાલે શારદાબેન ઉર્ફે કાળીબેન વેગડા નામની મહિલા અન્ય મહિલાઓને એકઠી કરીને પ્રતીક ઉપવાસ પર બેઠી હતી. જો કે, બપોરના સમયે આ મહિલાઓ અંદરોઅંદર ઝઘડવા લાગી હતી અને જાહેરમાં અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું.
બનાવની જાણ થતાં જ જેતપુર સીટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મહિલાઓને શાંત રહેવા અને મામલો થાળે પાડવા ઘણી સમજાવટ કરી, પરંતુ ઉશ્કેરાયેલી મહિલાઓએ ઝઘડો ચાલુ રાખ્યો હતો. કોઈ મોટી જીવલેણ ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક વલણ અપનાવીને કુલ ૫ મહિલાઓ સામે બખેડાનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસે પકડેલી મહિલાઓમાંથી મુખ્ય આરોપી શારદાબેન ઉર્ફે કાળીબેન વેગડા ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ ૧૫ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. નવાઈની વાત એ છે કે, ધરપકડ બાદ શારદાબેને જામીન રજૂ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા જ આ મહિલા "મારે જેલમાં જ જવું છે" તેવું રટણ કરવા લાગી હતી. આખરે નામદાર કોર્ટે તેને ગોંડલ જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે, જ્યારે અન્ય ૪ મહિલાઓ જામીન પર મુક્ત થઈ છે.
બીજી તરફ, પકડાયેલી અન્ય એક મહિલા સોનલબેન ઉર્ફે કાળીબેન ચાવડા સામે પણ પ્રોહિબિશન અને જુગાર સહિતના ૪૧ જેટલા ગુના અગાઉ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.