સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામ સ્થિત આરાધના ડ્રીમ સોસાયટીમાં પારિવારિક ઝઘડો હત્યામાં પરિણમ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાથરૂમમાં પાણી નાખવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલી દરમિયાન પુત્રે પોતાના પિતા પર લોખંડના સળીયાથી જીવલેણ હુમલો કરતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, 12 જુલાઈ, 2026ના રોજ બપોરે અંદાજે 1:30 વાગ્યે જોળવા ગામની આરાધના ડ્રીમ સોસાયટીના વિભાગ-1માં રહેતા સુખલાલ ઓમકાર લામોળે (ઉ.વ. 60) અને તેમના પુત્ર જીતુભાઈ સુખલાલ લામોળે વચ્ચે બાથરૂમમાં પાણી નાખવાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ઝઘડો વધતા આરોપીએ ફરિયાદીના ઘરના રસોડામાંથી બાંધકામમાં વપરાતો લોખંડનો સળીયો લાવી પોતાના પિતાના ડાબા કાન પાછળ ગરદનના ભાગે જોરદાર ઘા ઝીંક્યો હતો. ગંભીર ઈજા થતાં સુખલાલ લામોળેનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મૃતકની પત્ની આશાબેન સુખલાલ લામોળેની તારીખ 13 જુલાઈ 2016 ના રોજ સાંજે પોળા સાત વાગ્યે નોંધાવેલી ફરિયાદના આધારે પલસાણા પોલીસ સ્ટેશનમાં FIR નં. 11214-4626-1347/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS-2023)ની કલમ 103(1), 352 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
સમગ્ર બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયા ચલાવી રહ્યા છે. જ્યારે ઘટનાસ્થળની મુલાકાત બારડોલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી એચ. એલ. રાઠોડ દ્વારા લેવામાં આવી હતી.