બલેશ્વર પાટિયા NH-48 પર ગમખ્વાર અકસ્માત: રોડ ક્રોસ કરી રહેલી માતા અને 10 વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત, બ્રેઝા કારચાલક સામે ગુનો નોંધાયો
SURAT | By Akhand Bharat Team | Published:
અકસ્માત
બલેશ્વર પાટિયા NH-48 પર ગમખ્વાર અકસ્માત: રોડ ક્રોસ કરી રહેલી માતા અને 10 વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત, બ્રેઝા કારચાલક સામે ગુનો નોંધાયો
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, બલેશ્વર ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર રિલીફ હોટલ સામે આ અકસ્માત સર્જાયો હતો.
ફરિયાદી મુકેશ રામાશ્રય દાહિયા મૂળ મધ્યપ્રદેશના અને હાલ બલેશ્વર ગામે વસવાટ કરતા મજૂર, દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તેમની પત્ની ગીતા મુકેશ દાહિયા (ઉંમર 37) તથા પુત્ર ઓમી મુકેશ દાહિયા (ઉંમર 10) રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન GJ-19-BJ-4029 નંબરની બ્રેઝા કારના ચાલક મનોજ પાલે બેદરકારીપૂર્વક અને પુરઝડપે વાહન હંકારી બંનેને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં ગીતા દાહિયા અને તેમના પુત્ર ઓમીને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે ચલથાણ સ્થિત સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેએ દમ તોડી દીધો હતો.
આ બનાવ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સમગ્ર બનાવની વધુ તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. એચ. રાઠોડ ચલાવી રહ્યા છે. આ દુર્ઘટનાએ એક પરિવાર પાસેથી માતા અને પુત્ર બંનેને છીનવી લેતાં વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.