મહીસાગરમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોએ સંભાળી નવી જવાબદારી
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
મહીસાગરમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોએ સંભાળી નવી જવાબદારી
મહીસાગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોએ બુધવારે પોતાના વિભાગોનો વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળ્યા બાદ તમામ ચેરમેનોએ લુણાવાડા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી, જ્યાં જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, મહામંત્રીઓ કમલેશભાઈ પાદરીયા અને ચિંતનભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર તેમજ ઉપપ્રમુખ હંસરાજભાઈ વસાવા સહિતના આગેવાનોએ નવનિયુક્ત ચેરમેનોને પુષ્પગુચ્છ અર્પણ કરી મોં મીઠું કરાવ્યું અને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી.અગ્રણીઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને વંચિત વર્ગોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. નવી સમિતિઓના માધ્યમથી આ યોજનાઓનો લાભ મહીસાગરના ગ્રામ્ય વિસ્તારો સુધી પારદર્શક અને ઝડપી રીતે પહોંચાડવા માટે સક્રિય કામગીરી કરવામાં આવશે.જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં રાકેશકુમાર ઇન્દુભાઈ સોલંકીને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, નરેન્દ્રસિંહ અર્જુનસિંહ દામાને શિક્ષણ સમિતિના ચેરમેન, દિનેશભાઈ અમરસીંગભાઈ બામણીયાને આરોગ્ય સમિતિના ચેરમેન, અરવિંદભાઈ સુખાભાઈ બારીઆને બાંધકામ સમિતિના ચેરમેન, જેન્તાબેન ભલાભાઈ પટેલીયાને મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તેમજ ભાનુપ્રસાદ હરજીવનભાઈ જોશીને સિંચાઈ, ઉત્પાદન અને સહકાર સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમામ હોદ્દેદારોએ સત્તાવાર રીતે કાર્યભાર સંભાળી લીધો છે.તલાર જયેશ