બોરસદમાં ભક્તિભર્યા માહોલમાં નીકળી પ્રભુ જગન્નાથની ભવ્ય રથયાત્રા: 'જય રણછોડ, માખણચોર' ના નારાથી ગુંજી ઉઠ્યું નગર
ANAND | By Akhand Bharat Team | Published:
તહેવાર
બોરસદમાં ભક્તિભર્યા માહોલમાં નીકળી પ્રભુ જગન્નાથની ભવ્ય રથયાત્રા: 'જય રણછોડ, માખણચોર' ના નારાથી ગુંજી ઉઠ્યું નગર
અષાઢી એકમ ના પાવન પર્વે આજે તા.૧૫ જુલાઇ એ આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસભર્યા માહોલમાં પ્રસ્થાન થઈ ચૂકી છે. વર્ષમાં માત્ર એક જ વાર નગરચર્યાએ નીકળતા કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે વહેલી સવારથી જ બોરસદના માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.ભક્તિમય માહોલ અને વિશેષ પૂજન રથયાત્રાના પ્રારંભ પૂર્વે વહેલી સવારે જ્ઞાનદેવ મંદિરમાં ભગવાનની મંગળા આરતી અને વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. પ્રભુને અખાજી અને મગ-જાંબુનો પરંપરાગત ભોગ ધરાવાયો હતો. ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને ભવ્ય શણગારેલા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. સ્થાનિક અગ્રણીઓ અને ભક્તો દ્વારા સોનાની સાવરણીથી રથની આગળ માર્ગ સાફ કરવાની 'પહિંદ વિધિ' સંપન્ન થયા બાદ રથયાત્રા નગરચર્યા માટે આગળ વધી હતી.રથયાત્રામાં પરંપરાગત યુવકો અને મહિલાઓ દ્વારા નૃત્ય અને કલા પ્રદર્શન કરવામાં આવ્યા.રથયાત્રામાં બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને નગરપાલિકાના સભ્યો હર્ષોઉલ્લાસ થી જોડાયા હતા.ભજન મંડળીઓ અને ઢોલ-નગારાના તાલે સમગ્ર બોરસદ પંથક હરિનામ નાદથી ગુંજી ઉઠ્યો છે.માર્ગમાં ઠેર-ઠેર ભક્તો દ્વારા ભગવાનના રથનું સ્વાગત કરી મગ, જાંબુ અને બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.નગરના સંવેદનશીલ અને મુખ્ય માર્ગો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોરસદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર નગરમાં 'જય જગન્નાથ' ના નારા સાથે ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.