સાયલા-થાનગઢ માર્ગ પર ચિત્રાલાખ ગામ નજીક મોડી રાત્રે બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ૨૩ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને રાજકોટ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ પોલીસ હદના વિવાદને કારણે મૃતદેહના પોસ્ટમોર્ટમમાં ૧૨ થી ૧૪ કલાકનો વિલંબ થતાં સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મંગળવારની રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે, નળખંભા ગામના જયેશભાઈ હરજીભાઈ પનારા (ઉં.વ. ૨૩) થાનગઢ તરફથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ચિત્રાલાખ ગામના બોર્ડ પાસે ચાંદ્રેલીયા ફાટક નજીક સામેથી આવતી બાઈક સાથે તેમની બાઈકની જોરદાર ટક્કર થઈ હતી.આ ભયાનક અકસ્માતમાં જયેશભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સામેની બાઈકના ચાલક અજયભાઈ રાજુભાઈ રૂદાતલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ બંનેને તાત્કાલિક થાન હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ જયેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અજયભાઈને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થતાં સાયલા અને થાનગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, અકસ્માત કયા પોલીસ મથકની હદમાં બન્યો છે તે મુદ્દે બંને પોલીસ સ્ટેશન વચ્ચે ગૂંચવણ સર્જાઈ હતી. આ આંતરિક ખેંચતાણના કારણે જરૂરી કાયદાકીય કાર્યવાહી અને મૃતદેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં ૧૨ થી ૧૪ કલાકનો વિલંબ થયો હોવાના આક્ષેપો થયા છે.પોલીસની આ બેદરકારી અને ઢીલી નીતિ સામે મૃતકના પરિવારજનો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. તેમણે ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોના ભારે વિરોધ પ્રદર્શન બાદ પોલીસ તંત્ર સક્રિય થયું હતું. અંતે, સાયલા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને મળીને સમગ્ર મામલે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનિક આગેવાન માનસિંગભાઈ છગનભાઈએ પોલીસની હદ બાબતેની રમત સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને સંસદ સભ્યોને ફોન કરવા છતાં જવાબદાર અધિકારીઓ ગલ્લાતલ્લા કરતા રહ્યા હતા. તેમણે ૧૨ થી ૧૪ કલાક સુધી કોઈ કાર્યવાહી ન કરનાર જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.