Writingભલાડા નજીક હરિપુરા પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાયો
KHEDA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
Writingભલાડા નજીક હરિપુરા પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાયો
માતર, તા. 16 જુલાઈ: ખેડા જિલ્લાના માતર તાલુકાના ભલાડા ગામની હરિપુરા પ્રાથમિક શાળામાં ટ્રેસ્ના ફાઉન્ડેશન અને પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસ લિ.ના CSR સહયોગથી મહિલાઓના આરોગ્યને કેન્દ્રમાં રાખી નિઃશુલ્ક સ્ત્રીરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને તેમના ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી યોજાયેલા આ કેમ્પમાં નડિયાદના નિષ્ણાત સ્ત્રીરોગ તબીબ ડૉ. કૃપલબેન પંચાલ દ્વારા મહિલાઓ તેમજ વિદ્યાર્થિનીઓની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. દરેક બહેનની વ્યક્તિગત તપાસ કરીને તેમની સમસ્યાને અનુરૂપ જરૂરી માર્ગદર્શન, સારવાર અંગે સલાહ તથા નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ માટે માસિક ધર્મ અંગેની સ્વચ્છતા, ગર્ભાશયના મુખના કેન્સરની વહેલી તકે તપાસનું મહત્વ, HPV રસીકરણ તેમજ આરોગ્ય અને પોષણ અંગે વિશેષ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બહેનોએ ખુલ્લા મનથી પ્રશ્નો પૂછી પોતાની શંકાઓનું નિરાકરણ મેળવ્યું હતું.
આ પ્રસંગે ભલાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડિકલ ઓફિસર ડૉ. કુંદનબેન તથા તેમની સમગ્ર ટીમ, ગામના સરપંચ વનીતાબેન, હરિપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકો દ્વારા PHC ભલાડાની સમગ્ર ટીમનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હરિપુરા ગામમાં વિવિધ આરોગ્યલક્ષી અને સામાજિક પહેલ દ્વારા ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આયોજકોએ આશા વ્યક્ત કરી હતી કે આ કેમ્પથી મહિલાઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધશે અને સમયસર આરોગ્ય તપાસ કરાવવાની ભાવના વધુ મજબૂત બનશે. ગામજનો તરફથી કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો અને ટ્રેસ્ના ફાઉન્ડેશન તથા પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસ લિ.ના સેવાકીય પ્રયાસોની પ્રશંસા સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.