આયુષ્માન કાર્ડના સહારે દક્ષાબેને કેન્સરને આપી મ્હાત: શંકુઝ કેન્સર હોસ્પિટલમાં મળી આધુનિક અને નિઃશુલ્ક સારવાર
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
આયુષ્માન કાર્ડના સહારે દક્ષાબેને કેન્સરને આપી મ્હાત: શંકુઝ કેન્સર હોસ્પિટલમાં મળી આધુનિક અને નિઃશુલ્ક સારવાર
હિંમતનગર:
કેન્સર જેવી ગંભીર અને ખર્ચાળ બીમારી સામે સરકારની આયુષ્માન ભારત યોજના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. હિંમતનગરના અત્રી ગ્રીન્સ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય દક્ષાબેન હરેશભાઈ પટેલે શંકુઝ કેન્સર હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર મેળવી કેન્સર સામે સફળતાપૂર્વક જીત મેળવી છે.
દક્ષાબેનને સ્તન કેન્સર હોવાનું નિદાન થતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. કેન્સરની સારવાર સામાન્ય રીતે લાંબી અને અત્યંત ખર્ચાળ હોવાના કારણે મોટા શહેરોમાં જવું પડે છે, પરંતુ શંકુઝ કેન્સર હોસ્પિટલમાં તેમને આધુનિક સારવાર સાથે માનવીય અભિગમ અને નિષ્ણાત તબીબોની સેવા મળી હતી.
આયુષ્માન કાર્ડના લાભ હેઠળ દક્ષાબેનનો આશરે રૂ. 20 હજાર ખર્ચનો PET સ્કેન પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદના નિષ્ણાત કેન્સર સર્જનો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી અને જરૂરી કીમોથેરાપીની સારવાર પણ વિનામૂલ્યે આપવામાં આવી. સરકાર દ્વારા આયુષ્માન યોજના હેઠળ અગાઉ મળતી 6 કીમોથેરાપીને વધારી 17 સુધી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાતા દર્દીઓને મોટી રાહત મળી રહી છે.
દક્ષાબેને જણાવ્યું કે, "અમારે સારવાર માટે અમદાવાદ જવું પડ્યું નથી કે કોઈ મોટો ખર્ચ કરવો પડ્યો નથી. ઘરઆંગણે જ શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મળી છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આયુષ્માન કાર્ડ આશીર્વાદ સમાન છે. સરકારના આ સંવેદનશીલ નિર્ણય બદલ હું ખૂબ આભારી છું."
તેમણે અન્ય લોકોને સંદેશ આપતા જણાવ્યું કે કેન્સરથી ગભરાવાની જરૂર નથી. કોઈપણ લક્ષણ જણાય તો સમયસર તપાસ કરાવવી જોઈએ. સરકારની આયુષ્માન યોજના અને શંકુઝ જેવી આધુનિક હોસ્પિટલોના સહયોગથી કેન્સર સામે સફળતાપૂર્વક લડી શકાય છે.
દક્ષાબેનની આ સફળતા કેન્સર સામે લડી રહેલા દર્દીઓ માટે આશા અને હિંમતનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.