હિંમતનગર, તા. ૧૩ જુલાઈ: રાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન તેમજ કલા, સાહિત્ય અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનરની કચેરી દ્વારા **‘કલા મહાકુંભ–૨૦૨૬’**નું આયોજન કરવામાં આવ્યું છે. કલા મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક કલાકારો માટે નોંધણી પ્રક્રિયા તા. ૧૦ જુલાઈથી ૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ખુલ્લી રહેશે.
કલા મહાકુંભ અંતર્ગત ૦૬થી ૧૪ વર્ષ, ૧૫થી ૨૦ વર્ષ, ૨૧થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપર એમ ચાર વયજૂથમાં કુલ ૩૭ વિવિધ સ્પર્ધાત્મક ઇવેન્ટો યોજાશે. સાહિત્ય, કલા, સંગીત, નૃત્ય અને અભિનય સહિતના વિવિધ ક્ષેત્રોની સ્પર્ધાઓ તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષાએ તબક્કાવાર યોજાશે.
તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તા. ૧૦ ઓગસ્ટથી ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન યોજાશે, જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ, લોકગીત-ભજન, સુગમ સંગીત, લગ્નગીત, લોકનૃત્ય, રાસ, ગરબા અને સમૂહગીત જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા. ૨૬ ઓગસ્ટથી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાશે. તેમાં કાવ્ય લેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કામગીરી, સ્કૂલ બેન્ડ, કથ્થક, ઓર્ગન તથા શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની) જેવી ઇવેન્ટો યોજાશે.
પ્રદેશ કક્ષાની સ્પર્ધાઓ તા. ૧૫ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાશે, જેમાં સિતાર, ગિટાર, વાંસળી, વાયોલીન, કુચીપુડી, ઓડીસી અને મોહિનીઅટ્ટમ જેવી ઇવેન્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ તા. ૧૦થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાશે. તેમાં પખાવજ, મૃદંગમ, રાવણહથ્થો, જોડીયા પાવા, સરોદ, સારંગી અને ભવાઈ જેવી સ્પર્ધાઓ યોજાશે.
કલા મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ નોંધણી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, કૃષ્ણા હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબજેલ રોડ, હિંમતનગર ખાતેથી મેળવી, જરૂરી વિગતો સાથે તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં પરત જમા કરાવવાનું રહેશે.
આ અંગેની માહિતી જિલ્લા યુવા વિકાસ અધિકારી (આઈ/સી) દ્વારા અખબારી યાદીમાં આપવામાં આવી છે.