આસીકઅલી ગીલાણી વિરમગામ. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં આવેલ મદ્રીસણા-ફતેપુરા માર્ગના રીસરફેસિંગ કામમાં લાંબા સમયથી વિલંબ થતાં સ્થાનિક લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ફતેપુરા ગામથી નર્મદા મેઇન કેનાલ સુધીનો માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.માહિતી મુજબ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશરે સાત મહિના પહેલા આ માર્ગના રીસરફેસિંગ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામ એક એજન્સીને સોંપવામાં આવ્યું હતું. જોકે આજદિન સુધી કામની કોઈ કામગીરી શરૂ ન થતાં લોકોમાં તંત્ર સામે પ્રશ્નો ઊભા થયા છે.આ માર્ગ દેત્રોજ પંથકના દસથી વધુ ગામોને તાલુકા મથક સાથે જોડતો મુખ્ય માર્ગ હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં વાહનવ્યવહાર થાય છે. રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા હોવાથી અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી મોસમ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની જાય છે.સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ વધ્યો છે. આગામી ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો વહેલી તકે કામગીરી શરૂ નહીં થાય તો ઉગ્ર વિરોધ આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. હવે લોકોની નજર તંત્ર ક્યારે જાગે છે અને આ મહત્વપૂર્ણ માર્ગનું કામ ક્યારે શરૂ થાય છે તેના પર ટકેલી છે.*અખંડ ભારત