સાગબારા તાલુકાના સેલંબા ગામે યુવકના શંકાસ્પદ મૃત્યુ
NARMADA | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
સાગબારા તાલુકાના સેલંબા ગામે યુવકના શંકાસ્પદ મૃત્યુ
સાગબારા તાલુકાના સેલંબા ગામના નવીનગરી ફળિયાના રહેવાસી 22 વર્ષીય આકાશ વસાવા નું શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટા અને મેસેજ સાથે યુવકનું મોત દીપડાના હુમલાથી થયું હોવાના દાવા વાયરલ થઈ રહ્યા છે. આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે છે કે, આ દાવાઓને લઈને હજુ સુધી પોલીસ વિભાગ, વન વિભાગ કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.પ્રાથમિક માહિતી મુજબ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઘટનાની તમામ દિશામાં તપાસ ચાલુ છે. જો વન્ય પ્રાણીના હુમલાની આશંકા હશે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને વન વિભાગની વૈજ્ઞાનિક તપાસ બાદ જ સત્તાવાર નિષ્કર્ષ જાહેર કરવામાં આવશે.આ ઘટનાને લઈને સ્થાનિકોમાં અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તપાસ પૂર્ણ થયા વગર કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવું જોઈએ. સોશિયલ મીડિયા પર અપ્રમાણિત અને અફવા ભરી માહિતી ઝડપથી વાયરલ થતા લોકોમાં ગેરસમજ અને ભય ફેલાવાની શક્યતા રહે છે.તેથી તમામ નાગરિકો, મીડિયા મિત્રો અને સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરવામાં આવે છે કે, સત્તાવાર તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી કોઈપણ અપુષ્ટ દાવા પર વિશ્વાસ ન કરે અને આવી અફવાઓને આગળ શેર ન કરે. સત્તાવાર માહિતી મળતા જ જાહેર કરવામાં આવશે.હાલ સમગ્ર વિસ્તારની નજર પોલીસ, વન વિભાગ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર છે. તપાસ પૂર્ણ થયા બાદ જ મૃત્યુનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.