યાત્રાધામ ડાકોરમાં ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ડાકોર ધામમાં ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો અને જય રણછોડ, માખણચોરના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
દૂર-દૂરથી આવેલા ભક્તોએ શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમના પાવન દિવસે ડાકોર ધામ જાણે આનંદ અને ઉત્સવના રંગે રંગાયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે અને વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર ટ્રસ્ટ તથા તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન ડાકોરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.