કામરેજના ગાય પગલા રોડ પર આવેલા હિંદવા ડ્રીમ્સમાંથી લાઇટિંગનો સામાન ભરીને ભરૂચના જાડેશ્વર ચોકડી ખાતે લાઇટિંગનું કામ કરવા જઈ રહેલા ટેમ્પોને NH-48 પર અકસ્માત નડ્યો હતો. મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર કોસંબા નજીક આવેલી સ્મિટન ચોકલેટ ફેક્ટરી સામે ટેમ્પાનું પાછળનું ટાયર અચાનક ફાટી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટેમ્પો પલટી મારી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ટેમ્પો નંબર GJ-05-BX-9081માં કુલ 17 લોકો સવાર હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય છ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
આ ઘટનાની જાણ સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઈમરજન્સી સેવા મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ટેમ્પોમાં સવાર અન્ય લોકો સલામત હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્મત બાદ NH-48 પર પલટી ગયેલા ટેમ્પોને રસ્તા પરથી હટાવવા માટે ટ્રાફિક પોલીસે ક્રેનની મદદથી સાઇડ ઉપર ખસેડી ટ્રાફિકભારણ હળવું કર્યું હતું . અકસ્માતનું ચોક્કસ કારણ અને મૃતક તથા ઈજાગ્રસ્તોની ઓળખ અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.