*માંગરોળ તાલુકાના સેપા તરફ જતા રસ્તા પર બે બાઈક વચ્ચે સામસામે જોરદાર અકસ્માત સર્જાયો*
માંગરોળ તાલુકાના સેપા ગામથી સાતમાર તરફ જતા રસ્તા પર બે બાઈક વચ્ચે સામસામે જોરદાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક બાઈક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે બીજી બાઈક પર સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, સેપા-સાતમાર ગામના રહેવાસી હનીફભાઈ ઈસ્માઈલભાઈ કાલવા અને તેમના પત્ની અમીનાબેન હનીફભાઈ કાલવા પોતાની બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા અન્ય એક બાઈકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો સર્જાયો હતો કે દંપતીને શરીરે નાની-મોટી અને ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માત બાદ બીજી બાઈકનો ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત પતિ-પત્નીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે કેશોદ રિફર કરવામાં આવ્યા હતા. જોકે, ત્યાં પણ સ્થિતિમાં સુધારો ન જણાતા તેઓને વધુ સઘન સારવાર માટે જુનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
અખંડ ભારત પત્રકાર
હસન પીરજી