વ્યારામાં ૩૧૭ બેડની અદ્યતન યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ, ૮૦૦ બેડની નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત
વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં આદિજાતિ વિસ્તારના લોકોને અદ્યતન અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ નજીકના સ્થળે મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વ્યારામાં ૩૧૭ બેડની અતિઆધુનિક યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ રાજ્ય સરકાર સાથે પી.પી.પી. મોડેલ પર આકાર પામી રહેલા યુ.એન.એમ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પ્રોજેક્ટ અંતર્ગત નવી ૮૦૦ બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાપી સહિતના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોના લોકોને અદ્યતન આરોગ્ય સુવિધાઓની ભેટ મળી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત હોસ્પિટલ પરિસરની મુલાકાત લઈ વિવિધ અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કરી તેની માહિતી મેળવી હતી.
નવી ૩૧૭ બેડની ટ્રાન્ઝિશનલ હોસ્પિટલમાં વ્યારા જનરલ હોસ્પિટલમાં હાલમાં કાર્યરત તબીબી સેવાઓ અને દર્દીઓની સારવારનું સ્થળાંતર કરવામાં આવશે. નવી ૮૦૦ બેડની હોસ્પિટલના નિર્માણ દરમિયાન દર્દીઓને સારવારમાં અગવડ ન પડે અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રહે તે હેતુથી હાલના હોસ્પિટલ કેમ્પસમાં જ આ ટ્રાન્ઝિશનલ સુવિધા વિકસાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત વ્યારામાં આગામી સમયમાં ૧૫૦ બેઠકોની MBBS મેડિકલ કોલેજ, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સહિતનું વિશાળ હેલ્થકેર હબ વિકસાવવામાં આવશે. અંદાજિત રૂ. ૯૧૦ કરોડના આ સમગ્ર પ્રોજેક્ટને યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તાપી ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોના આશરે ૮ લાખથી વધુ લોકોને નજીકના સ્થળે જ અદ્યતન આરોગ્ય સેવાઓનો લાભ મળી શકશે.
૯,૯૮૬ ચોરસ મીટરના કાર્પેટ એરિયામાં વિકસાવવામાં આવેલી ૩૧૭ બેડની હોસ્પિટલમાં ૨૭૧ વોર્ડ બેડ અને ૪૬ ક્રિટિકલ કેર બેડનો સમાવેશ થાય છે. ૧૭ ક્લિનિકલ સ્પેશિયાલિટીઝ માટે ૨૪ સમર્પિત OPD રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેના કારણે દૈનિક આશરે ૧,૨૦૦ દર્દીઓને OPD સેવા આપી શકાશે. હોસ્પિટલમાં ૩ મેજર સર્જરી અને ૧ સીઝેરિયન તથા મેટરનિટી સેવાઓ માટે કુલ ૪ સુસજ્જ ઓપરેશન થિયેટર ઉપરાંત ER Minor OT અને Post-Mortem OTની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ક્રિટિકલ કેર માટે ૩૪ ICU બેડ, ૧૨ NICU/PICU બેડ અને ૬ ER બેડની સુવિધા છે. આ ઉપરાંત અદ્યતન પેથોલોજી અને માઇક્રોબાયોલોજી લેબોરેટરી, બ્લડ સ્ટોરેજ સેન્ટર, X-Ray, USG, ૮ બેડનું ડાયાલિસિસ યુનિટ, CSSD, કાંગારૂ મધર કેર રૂમ અને NRC વોર્ડ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વ્યારામાં જ વિશિષ્ટ તબીબી સારવાર ઉપલબ્ધ થવાથી તાપી જિલ્લાના દર્દીઓને અદ્યતન સારવાર માટે આશરે ૭૫ કિલોમીટર દૂર સુરત જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના નજીકના વિસ્તારમાં જ ગુણવત્તાસભર આરોગ્યસેવા મળવાથી સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રમતગમત અને પ્રવાસન રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર શ્રી જીનલ મહેતા, સાંસદ શ્રી પરભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન ચૌધરી, ધારાસભ્યો શ્રી મોહનભાઈ કોંકણી અને શ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા અગ્રણી શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરી સહિતના જનપ્રતિનિધિઓ, યુ.એન. મહેતા ગ્રુપના અધિકારીઓ, સ્ટાફ તથા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.