કિમ-ઓલપાડ રોડ પર મુક્તિધામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર અચાનક ડિવાઈડર કૂદાવીને સામેની બાજુ આવેલા ખાડામાં ખાબકી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલક અકસ્માત સમયે ભારે દારૂના નશામા હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માતના કારણે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે કારને પણ ભારે નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળેથી જ નશામાં ધૂમ કાર ચલાવનાર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સુખદ વાત એ છે કે, અકસ્માત સર્જાયો તે સમયે રોડ પર અન્ય કોઈ વાહન કે પદયાત્રીઓ હાજર ન હોવાથી મોટી હોનારત અને જાનહાની ટળી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.