બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન હદમાં અલારસા ગામની સીમમાંથી મળી આવેલી યુવકની લાશના બનાવનો પોલીસે ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ આંકલાવના શબ્બીરશા અકબરશા દીવાન તરીકે થઈ હતી. તા. 20 સપ્ટેમ્બર 2026ના રોજ આંકલાવ નજીક અલારસા ગામની સીમના ખેતરમાં લાશ મળી આવ્યા બાદ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકનું મોત શંકાસ્પદ જણાતા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મૃતક અગાઉ કેટલાક શખ્સો સાથે જુગાર રમવા બેઠો હોવાની તેમજ જુગારની પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી અને તકરાર થઈ હોવાની હકીકતો પોલીસ તપાસમાં સામે આવી હતી. પોલીસે લલિતચંદ્ર ઉર્ફે લાલો કાભયભાઇ ઠાકોર, રહે. ભાદરણિયા, જોગણી માતાવાળું ફળિયું, તા. બોરસદ, જી. આણંદ તથા કીરણભાઈ ઉર્ફે કીરો સોમાભાઈ રાઠોડ, રહે. ભાદરણિયા, ગુંદીવાળું ફળિયું, તા. બોરસદ, જી. આણંદની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1), 45 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક એસ.પી. કહાર તથા બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.બી. જાદવની દેખરેખ હેઠળ બોરસદ ટાઉન પોલીસની ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ, આણંદની ટીમે સંયુક્ત રીતે તપાસ કરી ગણતરીના સમયમાં બનાવનો ભેદ ઉકેલી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસ એ જણાવ્યું કે આ હત્યાનો કેસ ઉકેલવો એટલો પેચીદો હતો જેમ કે ઘાસના ઢગલામાંથી સોય શોધવી. કે જેમાં બંને આરોપીઓ પાસે ફોન નહોતા અને બનાવ એવી જગ્યાએ બન્યો હતો કે જ્યાં સીસીટીવી કેમેરા પણ નહોતા. આરોપીઓ સુધી પહોંચવા સખત મહેનત અને એક્સપર્ટ પોલીસ ટીમની કારણે આ હત્યાનો કેસ ઉકેલાયો જે બોરસદ પોલીસની સરાહનીય કામગીરી છે - અખંડ ભારત