થરાદ તાલુકાના ગઢસીસર ગામે ડેરીની બાજુમાં આવેલી કરિયાણાની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગે ગણતરીની મિનિટોમાં મોટું સ્વરૂપ ધારણ કરતાં દુકાનમાં રાખવામાં આવેલ પ્લાસ્ટિક સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. દુકાનની બહાર પડેલો કેટલોક સામાન પણ આગની લપેટમાં આવી જતાં નુકસાન થયું હતું. તેમજ દુકાનની બાજુમાં પાર્ક કરાયેલ એક મોટરસાયકલ પણ આગની ઝપેટમાં આવી બળીને નુકસાન પામી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ પાણીનો ઉપયોગ કરી આગને પ્રાથમિક તબક્કે કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ થરાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે ઓલવી દીધી હતી. આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કારણસર તે અંગે તપાસ બાદ જ હકીકત બહાર આવશે.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે દુકાનમાં કેટલું આર્થિક નુકસાન થયું છે તે અંગેનો ચોક્કસ આંકડો હાલ સામે આવ્યો નથી. આગની ઘટનાને પગલે ગામમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.