ભાદરવી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટય દિવસ તરીકે ગણવામાં આવે છે ત્યારે દર વર્ષે અંબાજી સહિત ખેડબ્રહ્મામાં બિરાજમાન મા અંબાના ચરણોમાં અનેક સ્થળેથી માઈભક્તો શ્રધ્ધાના સથવારે પગપાળા તથા રથડા લઈને દર્શને આવી માતાજીના ચરણોમાં આસ્થાનો દિવો પ્રગટાવી નવરાત્રીમાં વહેલા પધારજો તેવી વિનંતી કરીને ધન્યતા અનુભવે છે ત્યારે શનિવારે ભાદરવી પૂનમ હોવાથી સાબરકાંઠા જિલ્લાના નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા મંદિરમાં ભક્તો સહિત કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેમના શિરે છે તેવા રેન્જ આઈજી અને સાબરકાંઠાના પોલીસવડા સહિત પોલીસ પરિવારે મંદિરમાં આવી શિશ ઝુકાવી મા ના આર્શિવાદ લઈ ધન્યતા અનુભવી હતી.
ભાદરવી પૂનમ નિમિત્તે શનિવારે રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ તથા અન્ય વિભાગોના અધિકારીઓ અને નાયબ પોલીસવડા સહિત અન્ય પોલીસ કર્મીઓ ખેડબ્રહ્મા મંદિરે દર્શન કરવા માટે વાજતે ગાજતે અને ડીજેના તાલ સાથે પહોંચ્યા હતા શ્રધ્ધાને સબુતની જરૂર નથી તેનો પુરાવો ભાદરવી પૂનમ નિમિત્તે શનિવારે ખેડબ્રહ્મા મંદિરમાં જોવા મળ્યો હતો. જયાં રાજયના રેન્જ આઈજી તથા સાબરકાંઠાના અધિકારીઓ અને પોલીસ પરિવાર મંદિર પરિસરમાં માતાજી સમક્ષ બોલ મારી અંબે જય અંબેના નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી દીધુ હતું.
ત્યારબાદ આસ્થાના પ્રતિક સમાન ધ્વજાને શ્રધ્ધા સાથે મંદિરના શિખર પર ચઢાવીને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. દરમ્યાન મંદિર ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા ઉપસ્થિત પોલીસ પરિવારોનું સ્વાગત કરાયું હતું. એટલુ જ નહીં પણ આખો દિવસ સમગ્ર ખેડબ્રહ્મા પંથકમાં અંબાના ભક્તોની સતત અવર જવરને કારણે મંદિર પરિસર સહિત અન્ય સ્થળે જયાં નજર કરો ત્યાં માઈભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.
દિનેશભાઈ સોનગરા હિંમતનગર..