મહેસાણાના ગોઝારીયામાં ‘આંગણ કા ઉત્સવ’ની ઉજવણી: રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ* | Akhand Bharat Dainik
મહેસાણાના ગોઝારીયામાં ‘આંગણ કા ઉત્સવ’ની ઉજવણી: રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ*
MEHSANA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
મહેસાણાના ગોઝારીયામાં ‘આંગણ કા ઉત્સવ’ની ઉજવણી: રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ*
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા ઘટક-૨ના ૧૦૧ આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિનો પ્રસાર કરાયો*
*પોષણ ચેમ્પિયન બાળકો અને શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી તથા આશા વર્કર બહેનોનું સન્માનપત્ર આપી બહુમાન કરાયું*
*મહેસાણા: ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬*
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધી "આંગણ કા ઉત્સવ" કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મહેસાણા ઘટક-૨ ના તમામ ૧૦૧ આંગણવાડી કેન્દ્રો પર "આંગણ કા ઉત્સવ"ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શૃંખલાનો મુખ્ય કાર્યક્રમ ગોઝારીયા ગામના પંચવટી વિસ્તારમાં સ્થિત ગોઝારીયા-૪ આંગણવાડી કેન્દ્ર ખાતે ગરિમાપૂર્ણ રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને આંગણવાડીના ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આંગણવાડી કેન્દ્રના માધ્યમથી ચાલતી લોકકલ્યાણની યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ‘પોષણ ચેમ્પિયન’ બનેલા બાળકોને વિશેષ પોષણ કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આરોગ્ય અને પોષણના સ્તરને સુધારવાના હેતુથી લાભાર્થી માતાઓને મહાનુભાવોના હસ્તે ટેક હોમ રાશન (THR) નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીશ્રીનો શુભેચ્છા સંદેશ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના બાળકો અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટેની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
ગામના ઉત્થાન અને આરોગ્ય ક્ષેત્રે પાયાની કામગીરી કરતી આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કર બહેનોની નિષ્ઠાપૂર્વકની સેવાની પણ આ મંચ પરથી નોંધ લેવામાં આવી હતી. તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાનશ્રીઓએ તેમના માર્ગદર્શક ઉદ્દબોધનમાં આંગણવાડીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, બાળકના પાયાના ઘડતરમાં આંગણવાડી કેન્દ્રો પાયાની ભૂમિકા ભજવે છે. કાર્યક્રમના અંતે તમામ બાળકો અને લાભાર્થીઓને સુખડી તથા ફળનું વિતરણ કરી પૌષ્ટિક આહારનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગોઝારીયા ગામના સરપંચ તૃપ્તિબેન મિસ્ત્રી, પૂર્વ જિલ્લા સદસ્ય શ્રી મિહિરભાઈ પટેલ, 'આપણું ગામ ફાઉન્ડેશન'ના શ્રી વિકાસભાઈ પટેલ તેમજ ICDS જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર શ્રી પાયલબેન નાયક અને સીડીપીઓ પૂજાબેન ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પંચાયતના સભ્યો, ગામના અન્ય અગ્રણીઓ, આશા વર્કરો અને મોટી સંખ્યામાં લાભાર્થી માતાઓ તેમજ વાલીઓએ હાજરી આપી હતી. આંગણવાડીના ભૂલકાઓની વિશેષ ઉપસ્થિતિએ આ ઉત્સવને વધુ જીવંત બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.