આંગણવાડી મિલન સેવા સપ્તાહ અંતર્ગત થાણાપીપળીમાં કાર્યક્રમ
બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ અંગે અપાયું માર્ગદર્શન
વંથલી તાલુકાના થાણાપીપળી ગામે આંગણવાડી મિલન સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી કાર્યકરો, બાળકો અને વાલીઓની ઉપસ્થિતિમાં બાળકોના પોષણ, આરોગ્ય તથા સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોને આપવામાં આવતા પોષણક્ષમ પેકેટમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી શકાય તે અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ દલસાણિયા, સરપંચ શ્રી અભયભાઈ ડઢાણીયા, સામાજિક ન્યાય સમિતિના સભ્ય શ્રી ગોવિંદભાઈ મકવાણા, ગ્રામ પંચાયતના સભ્યો, આંગણવાડી કાર્યકરો, વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.