નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધજા ચડાવી..રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના......... | Akhand Bharat Dainik
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધજા ચડાવી..રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના.........
| By Akhand Bharat Team | Published:
General
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધજા ચડાવી..રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના.........
સોમાભાઈ. જે. રાવળ. ભાભર
_____________
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમનો મહામેળો પૂર્ણાહુતિ તરફ છે ત્યારે મેળાના અંતિમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ માં અંબાના દર્શન કરી વિધિવત ધ્વજારોહણ કર્યું હતું અને સમગ્ર રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
સેવાભાવી સંસ્થાઓના સમર્પણનો ઉલ્લેખ કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર પદયાત્રા માર્ગ પર સેવા કેમ્પોના હજારો કાર્યકર્તાઓ દ્વારા યાત્રાળુઓ સુધી જે અવિરત સેવા પહોંચાડવામાં આવી રહી છે, તે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સેવાનું એક અનોખું ‘રોલ મોડેલ’ છે. સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ફરજની સાથે સેવાનો ઉત્તમ સમન્વય સર્જ્યો છે. લાખો ભક્તોની અતૂટ આસ્થા, ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ બની રહેલો આ ભાદરવી પૂનમનો મેળો સદા યાદગાર બન્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષો-વર્ષથી માં અંબાના લાખો ભક્તો સેંકડો કિલોમીટર દૂરથી પગપાળા યાત્રા કરીને માડીના ચરણોમાં શીશ ઝુકાવવા અને ભક્તિભાવપૂર્વક દર્શન કરવા અંબાજી ધામ ખાતે પધારતા હોય છે. આ વર્ષે પણ ભાદરવી પૂનમના પાવન પર્વે તમામ જૂના રેકોર્ડ તૂટે તેટલી વિશાળ સંખ્યામાં ભાવી ભક્તો અંબાજી પહોંચ્યા છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વહીવટી વ્યવસ્થાઓની સરાહના કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રએ માઈભક્તોના સાચા સેવક બનીને છેલ્લા અનેક દિવસોથી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમણે વિશેષ રૂપે સ્વચ્છતાદૂતોની કામગીરીને બિરદાવતાં કહ્યું કે, સફાઈકર્મીઓએ રાત-દિવસ એક કરીને સમગ્ર યાત્રા માર્ગને અવિરત સ્વચ્છ રાખવાનું જે પ્રશંસનીય કાર્ય કર્યું છે, તે બદલ તેઓ વંદનને પાત્ર છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા તેમજ અન્ય પ્રચાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા જાળવવા અંગે થયેલા જાગૃતિના પ્રયાસો પણ સરાહનીય રહ્યા છે.
તેમણે યાત્રા માર્ગમાં મળેલા હજારો વડીલો, મહિલાઓ અને યુવાનોએ પોલીસ તેમજ વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. તેમણે પોલીસ માટેનો પોતાનો અભિગમ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, પોલીસ ગુનેગારોમાં કાયદાનો આકરો ડર ઊભો કરે, જ્યારે સામાન્ય નાગરિકો અને વડીલો માટે દીકરા-દીકરી સમાન તથા યુવાનો માટે માર્ગદર્શક અને મિત્ર બનીને કામ કરે. ભાદરવી પૂનમના આ મેળામાં પોલીસે પ્રજાના સાચા સેવક તરીકેની સંવેદનશીલ ભૂમિકા ઉત્તમ રીતે નિભાવી છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્રને સફળ મેળાના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા...