આહવા, ડાંગ:
આહવા, ડાંગ સ્થિત સરસ્વતી વિદ્યામંદિર ધૂળચોંડ ખાતે આજ રોજ 'બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં શાળાના ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક પ્રતીતિ અને સર્જનાત્મકતા રજૂ કરી હતી.
આ પ્રદર્શન મેળાનો શુભારંભ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ એસ. ગાઈનના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. મેળાને ખુલ્લો મુકતા તેમણે બાળકોને બાળ વૈજ્ઞાનિક વિશે ખૂબ જ સરળ અને પ્રેરણાદાયી સમજણ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા અને ભવિષ્યમાં દેશના ઉત્તમ વૈજ્ઞાનિક બની સમાજનું નામ રોશન કરવા માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી.
પ્રદર્શનમાં માર્ગદર્શક શિક્ષકોના સાનિધ્યમાં દરેક ધોરણ પ્રમાણે વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ અને પ્રકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ વિશે મુલાકાતીઓને ખૂબ જ સુંદર અને સચોટ રીતે સમજાવ્યું હતું. આ પ્રદર્શન નિહાળીને તમામ બાળકો અને ઉપસ્થિત લોકો ખૂબ જ આનંદિત થયા હતા. શાળાના તમામ વિદ્યાર્થીઓમાં આ પ્રદર્શનને લઈને ભારે ઉત્સાહ અને હર્ષનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા શ્રીમતી પાર્વતીબેન એમ. ગાઈન દ્વારા પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ ઉત્સાહી વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકો તેમજ ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.