સાબરકાંઠામાં આરોગ્ય, પોષણ અને શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
સાબરકાંઠામાં આરોગ્ય, પોષણ અને શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા
પ્રભારી સચિવ ડૉ. રતન કંવર ગઢવીચારણની વર્ચુઅલ ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લા સમીક્ષા બેઠક અંગે
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય, પોષણ અને શિક્ષણ સહિતના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવા માટે પ્રભારી સચિવશ્રી ડૉ. રતન કંવર ગઢવીચારણની વર્ચુઅલ ઉપસ્થિતિમાં હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ રૂબરૂ જ્યારે તાલુકા કક્ષાના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
બેઠકમાં સૌપ્રથમ આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રસીકરણથી વંચિત અથવા બાકી રહેલા લાભાર્થીઓ સુધી આરોગ્ય વિભાગની ટીમો ઘરે જઈ રસીકરણની કામગીરી સુનિશ્ચિત કરે તેવી સૂચના આપવામાં આવી હતી. સાથે જ ‘ખીલ ખીલાટ’ સેવાનો વધુમાં વધુ લાભ નાગરિકો સુધી પહોંચે તે માટે ભાર મૂકાયો હતો. ‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
પોષણ વિભાગની કામગીરી અંગે ચર્ચા કરતાં આંગણવાડી કેન્દ્રો દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને પોશીના તાલુકામાં પોષણલક્ષી કામગીરી વધુ અસરકારક રીતે થાય તે માટે સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ‘પોષણ સંગમ’ અંતર્ગત હાથ ધરાનારી કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઓછા વજનવાળા બાળકો તેમજ સગર્ભા મહિલાઓના પોષણ અને આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખી જરૂરી કામગીરી કરવા જણાવાયું હતું.
શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા દરમિયાન ‘નમો લક્ષ્મી’, ‘નમો સરસ્વતી’ અને ‘જ્ઞાન સાધના’ જેવી યોજનાઓના અમલીકરણની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ ‘ટેકો’માં નોંધાયેલા બાળકો અંગે જરૂરી કામગીરી કરવા પર ભાર મૂકાયો હતો. ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકની આરોગ્ય તપાસ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસવડાશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, વિવિધ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.