સાદડવેરા KGBV હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અને વ્યવસ્થા અંગે જિલ્લા પંચાયત સભ્યની રજૂઆત બાદ અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસ
VALSAD | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
સાદડવેરા KGBV હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અને વ્યવસ્થા અંગે જિલ્લા પંચાયત સભ્યની રજૂઆત બાદ અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસ
મયુર મોકાશી: ધરમપુર તાલુકાની સાદડવેરા KGBV હોસ્ટેલમાં સરકારી મેનૂ મુજબ પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન ન મળવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હીનાબેન નાનુભાઈ દીવા રાઉત દ્વારા તારીખ ૧૮/૦૯/૨૦૨૬ ના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂિયાતના અનુસંધાનમાં તારીખ ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ બપોરે ૧૧:૪૫ કલાકે સાદડવેરા KGBV હોસ્ટેલ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ધરમપુર (TPEO) તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ઈનચાર્જ મં. કેળવણી નિરીક્ષક, બીટ નિરીક્ષક, BRC ઉમરગામ, CRC ગુંદિયા તેમજ જિલ્લા પંચાયત સભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તપાસ દરમિયાન કન્યાઓ શાળાએથી પરત આવીને ભોજન લેતી હોવાનું જણાયું હતું. અધિકારીઓ દ્વારા રૂબરૂ ભોજનની ચકાસણી કરતા દાળ એકદમ પાણી જેવી પાતળી અને રોટલીઓ થોડી કાચી હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબતે રાજ્ય સરકારના નિર્ધારિત મેનૂ અને નિયમો અનુસાર ભોજનની ગુણવત્તા સુધારવા તથા મેનૂ મુજબ બદલવા માટે સખત સૂચના આપવામાં આવી છે. હોસ્ટેલની સફાઈ એકંદરે સારી જોવા મળી હતી, પરંતુ અંદાજે ૩૫૦ જેટલી કન્યાઓ અભ્યાસ કરતી હોવાથી ભોજન પીરસવાના ટેબલ ઓછા હોવાને કારણે સમય બગડતો હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી, ભોજન પીરસવાના ટેબલની સંખ્યા વધારવા તેમજ તમામ કન્યાઓ આસન અને ચમચી લઈને ક્રમબદ્ધ રીતે બેસીને ભોજન લે તેવું શિસ્તબદ્ધ આયોજન કરવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે. આ તમામ વિગતો સાથેની આકસ્મિક તપાસ પૂર્ણ કરી સ્થળ પર ઉપસ્થિત તમામ અધિકારીઓ અને પદાધિકારીઓની સહીઓ લેવામાં આવી છે. આ બાબતે જિલ્લા પંચાયત સભ્ય હીનાબેન દીવા રાઉત દ્વારા જણાવ્યું કે જો હજુ પણ સાદડવેરા કેજીબીવી માં આકસ્મિક કરવામાં આવશે જો હજુ પણ ખામી જણાય તો સંકળાયેલ સ્ટાફને બરખાસ્ત કરવાની રજૂઆત ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવશે.