સુરત ગણપતિ વિસર્જન નાવડી પલટી જતા ત્રણ જણા ના મોત | Akhand Bharat Dainik
સુરત ગણપતિ વિસર્જન નાવડી પલટી જતા ત્રણ જણા ના મોત
SURAT | By Akhand Bharat Team | Published:
અકસ્માત
સુરત ગણપતિ વિસર્જન નાવડી પલટી જતા ત્રણ જણા ના મોત
ગણેશ વિસર્જન દરમિયાન તાપીમાં નાવડી પલટી, 3 યુવકોના મોત
કામરેજના ધોરણ પારડીની સીમામાં દુર્ઘટના; સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમે હાથ ધરી બચાવ કામગીરી, હોસ્પિટલમાં ત્રણેયને મૃત જાહેર કરાયા
કામરેજ, સુરત:
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ગણેશ વિસર્જન દરમિયાન તાપી નદીમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. ધોરણ પારડીની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન માટે ગયેલા યુવકોની નાવડી અચાનક પલટી જતાં ત્રણ યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનામાં શાર્દૂલ મેર, રાજુ મેરા અને દાના શિયાળીયાના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
નાવડીનું સંતુલન ખોરવાતાં દુર્ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, ગણેશ વિસર્જન માટે કેટલાક યુવકો નાવડીમાં બેસીને તાપી નદીમાં ગયા હતા. આ દરમિયાન અચાનક નાવડીનું સંતુલન ખોરવાતા નાવડી પલટી ગઈ હતી. નાવડીમાં સવાર ત્રણ યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોએ શરૂ કરી બચાવ કામગીરી
દુર્ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બે યુવકોને બેભાન હાલતમાં નદીમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક યુવક પાણીમાં ગરકાવ થઈ જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન ઘટનાની જાણ થતાં કામરેજ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને નદીમાં શોધખોળ હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમે શોધખોળ દરમિયાન ત્રીજા યુવકને પણ બહાર કાઢ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આ યુવક નદીમાં જાળીમાં ફસાઈ ગયો હતો.
દિનબંધુ હોસ્પિટલમાં ત્રણેયને મૃત જાહેર કરાયા
કામરેજ ફાયર વિભાગના ફાયર ઓફિસર બિપીન ખલાસીના જણાવ્યા મુજબ, ગણપતિ વિસર્જન માટે આવેલા ત્રણ વ્યક્તિ નદીમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ બે વ્યક્તિને બહાર કાઢ્યા હતા, જ્યારે ત્રીજો યુવક પાણીમાં ડૂબેલી હાલતમાં જાળીમાં ફસાયેલો હતો.
ત્રણેય યુવકોને સારવાર માટે કામરેજની દિનબંધુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ભરવાડ સમાજમાં શોકનું મોજું
આશાસ્પદ ત્રણ યુવકોના મોતના સમાચારથી ભરવાડ સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. ગણેશ વિસર્જનના પર્વ વચ્ચે બનેલી આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.