ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં અંબાજી (ખેડબ્રહ્મા) ખાતે યોજાયેલા ભંડારામાં દર્શન અને પ્રસાદ માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓની ભરેલી કાર પલટી મારી જતાં મોટી દુર્ઘટના ઘટી છે. અમદાવાદના વત્રાલ ગામમાં રહેતા અને રસોડાના કામ સાથે સંકળાયેલા રાકેશ તેજસીંગ કુશવાએ ડભોડા પોલીસ મથકે નોંધાવેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, તેઓ તેમના સગા વાસુદેવ કુશવાની ગાડી (નંબર GJ-27-U-1789)માં પરિવાર અને અન્ય પરિચિતો સહિત આશરે ૧૫ જેટલા લોકો સાથે અંબાજી જવા નીકળ્યા હતા. આ દરમિયાન સાંજના આશરે ચારથી સાડા ચાર વાગ્યાના સુમારે ગાડી જ્યારે પ્રાંતિયા ગામની સીમ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક સામેથી એક બસ આવી જતાં ચાલક શિવમે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો. કાર ચાલક દ્વારા પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારવાના કારણે ગાડી રોડ પર જ જોરદાર પલટી મારી ગઈ હતી, જેના લીધે અંદર બેઠેલા મુસાફરો જોરદાર ફંગોળાઈને માર્ગ પર પટકાયા હતા અને ઘટનાસ્થળે ભારે ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતાં એકથી વધુ એમ્બ્યુલન્સ વાહનો ત્યાં પહોંચી ગયા હતા, જેમના દ્વારા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સામાન્ય ઈજા પામેલા લોકોને રજા આપવામાં આવી છે, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્ર કુશવા, દિલીપ કુશવા, નંદનુ કુશવા, આકાશ કુશવા અને રામબરન કુશવાને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત અંગે ડભોડા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.