**કરજણ:** કરજણ તાલુકાના સિમળી ગામે સેવાસેતુ અભિયાનના દ્વિતીય તબક્કા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
સેવાસેતુ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પમાં ગ્રામજનોની વિવિધ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવા સાથે જરૂરી પ્રમાણપત્રો તથા સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી સેવાઓ માટે લોકોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને સમય તથા શ્રમની બચત થાય તે દિશામાં સેવાસેતુ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલે કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની રજૂઆતો અને પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. તેમણે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને કોઈપણ પાત્ર લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સિમળી ગામે યોજાયેલા સેવાસેતુ કેમ્પ દરમિયાન ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક કક્ષાએ જ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળતા ગ્રામજનો દ્વારા કાર્યક્રમને આવકારવામાં આવ્યો હતો.