કટોકટીની ઘડીએ ૧૦૮ બની આશાનો સહારો, એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ | Akhand Bharat Dainik
કટોકટીની ઘડીએ ૧૦૮ બની આશાનો સહારો, એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
કટોકટીની ઘડીએ ૧૦૮ બની આશાનો સહારો, એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ
ઈડર તાલુકાના વીરપુર ગામની પ્રસૂતાને સમયસર તબીબી સહાય મળતાં માતા અને નવજાતને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડાયા
ઈડર: ઈડર તાલુકાના વીરપુર ગામમાં પ્રસૂતિની પીડા ઉપડતાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ માંગવામાં આવી હતી. જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સના તબીબી સહાયક મુકેશભાઈ તથા વાહનચાલક પ્રવિણ ખરાડી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પ્રસૂતાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, દરમિયાન રસ્તામાં જ પ્રસૂતિની સ્થિતિ સર્જાતા એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ પ્રસૂતાને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે બાળક પગની બાજુથી બહાર આવી રહ્યું હોવાનું જણાયું હતું. ઉપરાંત, બાળકની નાળ ગળાની આસપાસ વીંટળાયેલી હોવાનું તથા ગર્ભમાં જ બાળક દ્વારા મળનો ત્યાગ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું.
આવી કટોકટીની સ્થિતિમાં સમય અત્યંત કિંમતી હોવાથી તબીબી સહાયક મુકેશભાઈએ પોતાની તાલીમ અને અનુભવના આધારે તાત્કાલિક જરૂરી તબીબી કામગીરી શરૂ કરી હતી. વાહનચાલક પ્રવિણ ખરાડીએ પણ એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે હંકારવાની સાથે પ્રસૂતિની સમગ્ર પ્રક્રિયામાં જરૂરી સહયોગ આપ્યો હતો.
તબીબી સહાયક અને વાહનચાલક વચ્ચેના સંકલન અને ટીમવર્કના પરિણામે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી હતી. કટોકટીની ઘડીએ ૧૦૮ની ટીમે સમયસર કામગીરી કરી માતા અને નવજાતને જરૂરી પ્રાથમિક તબીબી સહાય પૂરી પાડી હતી.
આ સમગ્ર કામગીરી દરમિયાન વરિષ્ઠ તબીબી અધિકારી તથા તબીબી સલાહકાર ડૉ. હસમુખ સર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અને તબીબી સલાહ પણ ટીમ માટે મહત્વપૂર્ણ બની હતી.
પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકની જરૂરી પ્રાથમિક તપાસ તથા સંભાળ કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેને વધુ સારવાર અને તબીબી નિરીક્ષણ માટે હોસ્પિટલમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં કટોકટીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને તેની ટીમ દ્વારા સમયસર કરવામાં આવેલી કામગીરીના કારણે માતા તથા નવજાતને તાત્કાલિક તબીબી સહાય મળી હતી.