કુપોષણ મુક્ત ગુજરાત તરફ સાબરકાંઠાનું વધુ એક કદમ | Akhand Bharat Dainik
કુપોષણ મુક્ત ગુજરાત તરફ સાબરકાંઠાનું વધુ એક કદમ
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
કુપોષણ મુક્ત ગુજરાત તરફ સાબરકાંઠાનું વધુ એક કદમ
જિલ્લાના તમામ ૧,૯૨૩ આંગણવાડી કેન્દ્રોમાં ‘દૂધ સંજીવની યોજના’નો વ્યાપ
સાબરકાંઠા : કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા પોષણલક્ષી વિવિધ યોજનાઓના અમલીકરણ સાથે જનજાગૃતિ પ્રવૃત્તિઓને પણ વેગ આપવામાં આવી રહ્યો છે. પોષણ માસની ઉજવણી અંતર્ગત બાળકોના પોષણ અને આરોગ્યની સુરક્ષા માટે ‘દૂધ સંજીવની યોજના’નો વ્યાપ સાબરકાંઠા જિલ્લામાં પણ કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૧૮થી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાતના આદિજાતિ વિસ્તારો તેમજ વિકાસશીલ તાલુકાઓમાં ૬ માસથી ૬ વર્ષ સુધીના બાળકોને પોષણયુક્ત દૂધ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ‘દૂધ સંજીવની યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે અને તેમના શારીરિક તથા માનસિક વિકાસને યોગ્ય પોષણનો આધાર મળે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.
હવે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજનાનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારો ઉપરાંત બિનઆદિજાતિ વિસ્તારોના બ્લોકમાં આવેલા આંગણવાડી કેન્દ્રો સુધી પણ યોજનાનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં યોજનાના વિસ્તરણના ભાગરૂપે જિલ્લાના તમામ ૧,૯૨૩ આંગણવાડી કેન્દ્રોમાં ‘દૂધ સંજીવની યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. જેના પરિણામે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના આંગણવાડી કેન્દ્રો સાથે જોડાયેલા ૬ માસથી ૬ વર્ષ સુધીના બાળકોને યોજનાનો લાભ મળી રહ્યો છે.
પોષણ માસ દરમિયાન આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોના પોષણની સાથે વાલીઓને પણ સંતુલિત આહાર, યોગ્ય પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. બાળપણમાં મળતું યોગ્ય પોષણ બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાથી યોજનાના માધ્યમથી કુપોષણ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
‘સુપોષિત બાળ–સ્વસ્થ સમાજ’ના સંકલ્પ સાથે સાબરકાંઠા જિલ્લો પણ કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં યોજનાના વ્યાપથી વધુને વધુ બાળકો સુધી પોષણનો લાભ પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.