મહેસાણા જિલ્લામાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન* | Akhand Bharat Dainik
મહેસાણા જિલ્લામાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન*
MEHSANA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
મહેસાણા જિલ્લામાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન*
ટી.એચ.આર. અને મિલેટ (શ્રીઅન્ન)માંથી બનતી પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ૯૦ આંગણવાડી કાર્યકર બહેનોએ લીધો ભાગ*
મહેસાણા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા ગતરોજ તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ, જિલ્લા પંચાયત, મહેસાણા ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત ટી.એચ.આર. (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ) તથા મિલેટ (શ્રીઅન્ન)માંથી બનતી ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’નું જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઈ.સી.ડી.એસ. શાખા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકીય અમલવારી અંગે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે આગામી આયોજન ‘આંગણ કા ઉત્સવ’ તથા પોષણ માસની ઉજવણીને અનુલક્ષીને જરૂરી સૂચનો અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે પોષણયુક્ત આહારના મહત્વને જન-જન સુધી પહોંચાડવામાં આંગણવાડી કાર્યકર બહેનોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવી વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે હાથ ધરવા પ્રેરણા આપી હતી.
જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધામાં ઘટક કક્ષાએ ટી.એચ.આર. (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ) તથા મિલેટ (શ્રીઅન્ન)ની વાનગી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર કુલ ૯૦ આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન કાર્યકર બહેનોએ ટી.એચ.આર. તથા મિલેટમાંથી વિવિધ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ રજૂ કરી હતી.
સ્પર્ધાના મૂલ્યાંકન માટે ન્યુટ્રીશન પ્રોગ્રામ આસિસ્ટન્ટ, આરોગ્ય વિભાગ તથા આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરના પ્રિન્સિપાલશ્રી સહિતના નિર્ણાયકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કક્ષાની ટી.એચ.આર. અને મિલેટની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર તથા ઇનામ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધા દ્વારા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક અનાજ અને મિલેટ આધારિત આહારને પ્રોત્સાહન આપવા સાથે માતા અને બાળકોના પોષણમાં વૈવિધ્યસભર અને પૌષ્ટિક આહારના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ, તમામ સી.ડી.પી.ઓ.શ્રીઓ, આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસરશ્રી, આઈ.સી.ડી.એસ. શાખાનો સ્ટાફ તથા સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.