બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપી નોકરી અપાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ, બે શખ્સો સામે ફરિયાદ
પાલીતાણામાં પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને યુવક પાસેથી રૂ.4 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, પાલીતાણાના અમીતભાઈ ગેમલભાઈ જાડેજાને પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાની વાત કરી આરોપી પ્રદિપભાઈ કિરીટસિંહ ઝાલાએ કુલ રૂ.6 લાખની માંગણી કરી હતી. જેમાં શરૂઆતમાં રૂ.4 લાખ આપવા અને નોકરી મળ્યા બાદ બાકીના રૂ.2 લાખ આપવાનું જણાવાયું હતું.
ફરિયાદીએ અલગ-અલગ સમયે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તેમજ રોકડ મળી કુલ રૂ.4 લાખ આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારબાદ પ્રદિપભાઈએ ફરિયાદીની મુલાકાત બળદેવભાઈ રમેશભાઈ રાઠોડ સાથે કરાવી હતી. બળદેવભાઈએ પોસ્ટ ઓફિસનું એપોઇન્ટમેન્ટ લેટર આપીને પાલીતાણા પોસ્ટ ઓફિસમાં હાજર થવા જણાવ્યું હતું.
ફરિયાદી એપોઇન્ટમેન્ટ લેટર લઈને પાલીતાણા પોસ્ટ ઓફિસ પહોંચતા અધિકારીએ લેટર ખોટો અને બનાવટી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પણ નોકરી અપાવવાના બહાને સમય પસાર કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદીએ પોતાના રૂ.4 લાખ પરત માંગ્યા હોવા છતાં રકમ પરત ન મળતા અંતે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પ્રદિપભાઈ કિરીટસિંહ ઝાલા અને બળદેવભાઈ રમેશભાઈ રાઠોડ સામે IPCની કલમ 420, 465, 467, 468, 471 અને 120-B હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.