આહવા: તા. ૨૧: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીરાપાડા ગામની ૧૩ વર્ષીય ફ્રેની એ. ચૌધરીની બીસીસીઆઈ અન્ડર-15 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફ્રેની ને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.મુખ્યમંત્રીશ્રીએ પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે રમતગમત દ્વારા યુવાઓમાં શારીરિક તંદુરસ્તી, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ભાવના વિકસે છે. રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે અને “ખેલ મહાકુંભ” જેવી પ્રવૃત્તિઓ દ્વારા યુવાઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી રહી છે.ફ્રેની ની ક્રિકેટ ક્ષેત્રે સિદ્ધિ ડાંગ જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાંથી ઉભરતી પ્રતિભાનો ઉત્તમ દાખલો બની છે. તેઓ ગુજરાત મહિલા ક્રિકેટ ટીમ વતી ઘરેલુ ક્રિકેટ સીઝનમાં અન્ડર-15 વન-ડે ટ્રોફીની પાંચ મેચમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. ડાંગ જિલ્લામાંથી રાજ્યસ્તરની ક્રિકેટ સ્પર્ધામાં સ્થાન મેળવનાર દીકરી તરીકે તેમણે મહિલા શક્તિનું ગૌરવ વધાર્યું છે.ફ્રેની એ પાંચમા ધોરણથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને હાલમાં તેઓ આઠમા ધોરણમાં અભ્યાસ સાથે ક્રિકેટની તાલીમ પણ લઈ રહી છે. તેમના પિતા અરવિંદભાઈ ચૌધરી છેલ્લા ૧૮ વર્ષથી ગુજરાત પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. વ્યસ્ત ફરજ વચ્ચે પણ તેમણે દીકરીને સતત પ્રોત્સાહન અને તાલીમ માટે સહયોગ આપ્યો હોવાનું જાણવા મળે છે.ફ્રેની એક ઉત્કૃષ્ટ બોલર હોવા ઉપરાંત નેશનલ લેવલ એથ્લેટ પણ છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલી 600 મીટર દોડ સ્પર્ધામાં તેઓ ચેમ્પિયન બન્યા હતા. રમતગમત ક્ષેત્રે તેમની આ સર્વાંગી પ્રતિભા અને અથાગ પરિશ્રમને કારણે તેઓ અન્ય યુવતીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.જિલ્લાભરમાંથી ફ્રેની ને શુભેચ્છાઓ મળી રહી છે અને રમતગમત ક્ષેત્રે તેમની વધુ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે