અરનાલા ગામે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત : બેનું મોત, એક ઘાયલ
VALSAD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
અરનાલા ગામે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત : બેનું મોત, એક ઘાયલ
નાનાપોઢા તાલુકાના અરનાલા ગામે અરનાલા તળાવ નજીક બે બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નાનાપોઢાની ચિરંજીવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક વ્યક્તિએ હોસ્પિટલ પહોંચે પહેલા જ દમ તોડી દીધો હતો. અન્ય એક ઘાયલની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ અરનાલા થી ઉદવાડા જતાં માર્ગ પર અરનાલા તળાવ પાસે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કાજલી ગામના રહેવાસી એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જ્યારે બીજી બાઈક પર અરનાલા ગામના બુલેટ સવાર યુવાનો હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને તરત જ 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં નાનાપોઢા પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નાનાપોઢા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાનાપોઢા વિસ્તારની મરીમાતા ચોકડી પાસે બાઈક સવારો દ્વારા બેફામ ઝડપે વાહન ચલાવવાના તેમજ સ્ટન્ટ કરવાના બનાવો વધી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. સાંજના સમયે કેટલાક યુવાનો બુલેટ સહિતની બાઈક પર જોખમી રીતે સ્ટન્ટ કરતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સ્થાનિકોએ અહીં કાયમી ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠાવી છે.ઈદના પવિત્ર તહેવાર પહેલા બનેલી આ દુર્ઘટનાએ અરનાલા, કાજલી અને આસપાસના વિસ્તારોમાં માતમ છવાઈ ગયો છે. રસ્તા સુરક્ષાને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.