પલસાણા: બલેશ્વર ગામની અવધ સંગ્રીલા સોસાયટીમાં અગાઉ થયેલી અંદાજે રૂ. 25 લાખની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી, ત્યાં ફરી એક ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ. 4.75 લાખની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, અવધ સંગ્રીલાના રહેવાસી જશવંતલાલ સાહબ પાંડે તા. 19 એપ્રિલે સવારે 10:30 થી બપોરે 3:00 વાગ્યા દરમિયાન ઘર બંધ રાખી બહાર ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેમના ઘર નં. 195માં પ્રવેશી ઘરમાં રાખેલી રૂ. 4.75 લાખની રોકડ રકમ ચોરી ગયો હતો.આ અંગે જશવંતલાલ પાંડેએ તા. 30 મેના રોજ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અગાઉ રૂ. 25 લાખની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો ન હોવા છતાં સોસાયટીમાં ફરી ચોરી થતાં રહિશોમાં ચિંતા ફેલાઈ છે. CCTV કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં તસ્કરો સક્રિય બનતા સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે.પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે CCTV ફૂટેજ અને અન્ય તકનિકી પુરાવાઓના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.