ગૌરક્ષા, સનાતન સંસ્કૃતિના જતન અને વિશ્વ કલ્યાણના પવિત્ર સંકલ્પ સાથે વર્ષ 2017માં અયોધ્યાથી પ્રારંભ કરાયેલી પૂજ્ય સતનારાયણદાસ ત્યાગી મહારાજની ઐતિહાસિક અને અતિ કઠિન દંડવત્ યાત્રા આજરોજ પવિત્ર તીર્થધામ બેટ દ્વારકા ખાતે ભક્તિભાવ અને વૈદિક મંગલધ્વનિ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.નવ વર્ષ સુધી અખંડ તપસ્યા, અડગ શ્રદ્ધા અને અવિરત સંકલ્પ સાથે આગળ વધેલી આ યાત્રા દરમિયાન ત્યાગી મહારાજે દેશના અનેક પવિત્ર તીર્થસ્થળોની દંડવત્ પરિક્રમા કરી હતી. યાત્રા દરમિયાન તેમણે નૈમિશારણ્ય, કાશી વિશ્વનાથ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ સહિત અનેક ધામોમાં દર્શન-વંદન કરી ધર્મ, રાષ્ટ્ર અને ગૌસેવાના સંદેશને જનજન સુધી પહોંચાડ્યો હતો.આજરોજ જ્યારે યાત્રા તેના અંતિમ અને પવિત્ર પડાવ બેટ દ્વારકા પહોંચી, ત્યારે બેટ દ્વારકાધીશ મંદિરના પૂજારીગણ, સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ સતનારાયણદાસ ત્યાગી મહારાજનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર વાતાવરણ “જય દ્વારકાધીશ” અને ધર્મધ્વનિથી ગુંજી ઉઠ્યું હતું.નવ વર્ષની કઠોર તપસ્યા અને દંડવત્ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થતાં ત્યાગી મહારાજે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિર નમાવી ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેમણે ગૌમાતા રક્ષણ, માનવ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.આ ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણના સાક્ષી બનેલા ભક્તજનોમાં પણ અનોખો ઉત્સાહ, ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. અયોધ્યાથી બેટ દ્વારકા સુધીની આ દંડવત્ યાત્રા માત્ર એક યાત્રા નહીં પરંતુ શ્રદ્ધા, સંકલ્પ, ત્યાગ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યેની અડગ નિષ્ઠાનું જીવંત પ્રતિક બની છે."અયોધ્યાથી દ્વારકા સુધીનો આ નવ વર્ષનો આધ્યાત્મિક સંકલ્પ, ગૌરક્ષા અને વિશ્વ કલ્યાણ માટે સમર્પિત એક અવિસ્મરણીય તપસ્યા તરીકે ઇતિહાસમાં અંકિત રહેશે."